પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી, નામ નક્કી થયાં હોવાની ચર્ચા તેજ! જાહેરાત માટે હવે સૌની નજર મંડાઈ

Spread the love

ગાંધીનગર મનપાની ચૂંટણી પછી મેયર સહિતના પદાધિકારીઓના પદગ્રહણમાં હજુ અઠવાડિયાનો વિલંબ થવાની શક્યતા છે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાતી હતી. જ્ઞાતિ સમીકરણ સહિત વિવિધ માપદંડને ધ્યાને લઇ નામોની ચર્ચા થઇ હતી.

 

બીજી તરફ હજુ મ્યુનિ. કમિશનર દ્વારા સામાન્ય સભાનો એજન્ડા જાહેર કરાયો નથી. જેથી આગામી સપ્તાહે જ સામાન્ય સભામાં પદાધિકારીઓના નામ ખુલશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં શુક્રવારે બપોરે સીએમ બંગલો ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.

 

ગાંધીનગરમાંથી શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, શહેર સંગઠનના 2 મહામંત્રીને હાજર રાખી વિવિધ પદ માટે નામની ચર્ચા કરાઇ હતી.

 

સૂત્રો મુજબ પાર્ટી દ્વારા વિવિધ પરિબળોને ધ્યાને લેવાયાં છે અને તે મુજબ પદાધિકારીઓની પસંદગી કરાશે. હાલ ભાજપ દ્વારા નામો જાહેર કરવામાં નહીં આવે, સામાન્ય સભામાં જ મેન્ડેટ ખુલશે તે પ્રમાણે નામો જાહેર કરાશે.

 

બીજી તરફ અગાઉ સોમવાર કે મંગળવારે સામાન્ય સભા યોજાવાની શક્યતા હતી. પણ શુક્રવારે સાંજ સુધી સામાન્ય સભાનો એજન્ડા જાહેર થયો નથી. નિયમ પ્રમાણે સભા યોજાવાના ત્રણ દિવસ પહેલાં એજન્ડા જારી કરવાનો હોય છે.

જેથી હવે સોમવાર કે મંગળવારે એજન્ડા જારી થાય તો પણ આગામી ગુરુવારે કે શુક્રવારે સામાન્ય સભા યોજી શકાશે. હજુ પણ પદાધિકારીઓના પદગ્રહણ માટે અઠવાડિયાની રાહ જોવી પડશે. ત્યાં સુધી શહેરમાં અટકળોનું બજાર ગરમ રહેશે.

 

ડેપ્યુટી મેયર તરીકે મહિલા કોર્પોરેટર નિમાશે

 

બેઠકમાં જ્ઞાતિ સમીકરણ, વોર્ડ-વિસ્તાર અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ પદાધિકારીઓ અંગે ચર્ચા થઇ હતી. આ વખતે મેયર પદ ઓબીસી કેટેગરી માટે અનામત છે. આ સમાજના 7 કોર્પોરેટર છે.

 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પાટીદાર સમાજને મળે તેવી શક્યતા છે. બીજી તરફ આ વખતે મહિલા પ્રતિનિધિત્વ વધારવાના ભાગરૂપે પ્રથમ ત્રણ પદ પૈકી ડેપ્યુટી મેયરના પદ માટે પણ ક્ષત્રિય અને બ્રહ્મસમાજની મહિલાઓના નામ અંગે ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 

ભાજપમાં હજુ એક બેઠક યોજાય તેવી શક્યતા શુક્રવારે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકોએ વિવિધ પદ માટે આપેલી પેનલ અંગે ચર્ચા પૂર્ણ થઇ ગઇ છે અને સ્થાનિક નેતાઓ સાથે પરામર્શ થઇ ગયો છે. જેના આધારે પાર્ટી દ્વારા પદાધિકારીનાં નામની યાદી આખરી કરાશે. જોકે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ વિદેશ પ્રવાસે છે અને તેઓ રવિવારે સાંજ સુધીમાં પરત ફરવાના છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં વધુ એક બેઠક યોજાવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *