ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યનો અધિકારીઓને લાલ આંખ! મંજૂરી અને નાણાં ફાળવવાથી નહીં ચાલે, વિકાસનાં કામો જમીન પર દેખાવાં જોઈએ!

Spread the love

ગાંધીનગર શહેર અને જિલ્લામાં વિકાસકામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો હોવા છતાં ચોમાસા બાદ અનેક ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાનાં કામ અધૂરાં રહેવા અને વિવિધ વિકાસકામની ગુણવત્તા સામે સવાલ ઊઠતાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દે આક્રમક વલણ અપનાવી અધિકારીઓને આડે હાથ લીધા હતા.

સરકારી નાણાં ખર્ચાયા બાદ પણ જો નાગરિકોને સુવિધા માટે વલખાં મારવા પડે તો જવાબદારી કોની, તેવો સવાલ ઉઠાવી તેમણે વિકાસકામોના અમલીકરણ અને દેખરેખની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બેઠકમાં કલેક્ટરે પણ અધિકારીઓને વિકાસકામોની ગુણવત્તા જળવાય અને તમામ કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી.

 

અલ્પેશ ઠાકોરે બેઠકમાં સવાલ ઉઠાવ્યો હતો કે કામોના વર્ક ઓર્ડર આપી દીધા બાદ તેનું યોગ્ય મોનિટરિંગ થતું ન હોય તો ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થવાના જ છે.

 

માત્ર કામો મંજૂર કરી નાણાં ફાળવી દેવાથી વિકાસની જવાબદારી પૂર્ણ થતી નથી, પણ સ્થળ પર યોગ્ય રીતે કામ થાય છે કે નહીં તેની દેખરેખ પણ એટલી જ જરૂરી છે. નાગરિકોની સુવિધા માટે ફાળવાતા સરકારી નાણાંનો અસરકારક ઉપયોગ થાય અને કામોમાં ગુણવત્તા જળવાય તે માટે અધિકારીઓએ જવાબદારીપૂર્વક કામ કરવા જોઈએ.

 

ધારાસભ્યએ ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાના અભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અધિકારીઓ કચેરીમાં બેસી અહેવાલના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવાને બદલે ગામોની મુલાકાત લઇ ગ્રામજનોને મળી તેમની સમસ્યા સમજવી જરૂરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાનો મુદ્દો ઉઠ્યો વીજળીની અનિયમિતતા પણ બેઠકમાં ચર્ચાનો મુદ્દો બની હતી. સાંજે રસોઈ બનાવવાના સમયે વીજળી ગુલ થવાથી મહિલાઓને ખૂબ મુશ્કેલી પડે છે, જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી વાળવાના સમયે વીજળી ન મળતા ખેતીનું કામ ખોરવાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજિંદા જીવનને અસર કરતી આવી સમસ્યા રહે તે યોગ્ય નથી, તેવો મુદ્દો અલ્પેશ ઠાકોરે રજૂ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *