કોંગ્રેસ પક્ષ દ્વારા દેશવ્યાપી ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) કાર્યાલય ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તેમણે દેશભરમાં 100થી વધુ અને ગુજરાતમાં 7 જેટલા મુખ્ય નેતાઓ તથા પ્રભારીઓને આ અભિયાનની જવાબદારી સોંપાઈ હોવાની વિગતો આપી હતી.આ દરમિયાન તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
13 કરોડ મતદારોના નામ હટાવી દેવાયા હોવાનો ગંભીર આરોપ
ચૌહાણે મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓના પરિણામોનું કોંગ્રેસ દ્વારા ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી બાદ ભાજપની જીતનો જે ટ્રેન્ડ જોવા મળ્યો છે, તેની પાછળ મતદાર યાદીમાં ગોટાળા જવાબદાર છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ વિરોધી માનસિકતા ધરાવતા મતદારોને આયોજનબદ્ધ રીતે મતદાર યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. SIR પ્રક્રિયાના માધ્યમથી 30 રાજ્યોમાં આશરે 13 કરોડ જેટલા મતદારોના નામ હટાવી દેવાયા હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.
EVMના બદલે ફરીથી બેલેટ પેપર આધારિત મતદાન કરવાની માંગણી
આ ચૂંટણી પ્રક્રિયા અને તંત્ર સામે પ્રહારો કરતાં પૃથ્વીરાજ ચૌહાણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની તેમજ તેમની સામે ફોજદારી તપાસ શરૂ કરવાની માગ કરી હતી. 2023માં ચૂંટણી કમિશનરોની નિમણૂકના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો સામે સવાલ ઉઠાવી તેમણે ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે EVMના બદલે ફરીથી બેલેટ પેપર આધારિત મતદાન કરવાની પ્રબળ માંગણી કરી હતી.
ભાજપના ‘અરાજકતા બચાવો’ અભિયાન અંગે પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતાએ આગામી દિવસોમાં આ અભિયાનને જન-આંદોલનમાં ફેરવવાની રૂપરેખા આપતાં કહ્યું કે, બ્લોક અને ગામ સ્તરેથી લઈને ચોપાલ સુધી બેઠકો યોજી લોકોને જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીના જંતર-મંતર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બીજી તરફ ભાજપના ‘અરાજકતા બચાવો’ અભિયાન અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે ઉમેર્યું કે, સરકારની નીતિઓથી કંટાળેલી જનતા વિરોધ કરી રહી છે અને ભાજપ ગમે તે અભિયાન ચલાવે, કોંગ્રેસ તેનાથી અટકવાની નથી.
મહારાષ્ટ્રમાં સર્જાયેલી ગંભીર દુષ્કાળની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી
આ પત્રકાર પરિષદમાં પૃથ્વીરાજ ચૌહાણે મહારાષ્ટ્રમાં સર્જાયેલી ગંભીર દુષ્કાળની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અલ નીનોની અસરને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. સરકારે કેવળ કેટલાક તાલુકાઓ પૂરતું સીમિત રહેવાને બદલે અસરગ્રસ્ત સમગ્ર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામગીરી ઝડપી બનાવવી જોઈએ.
