ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી ગઈ છે. કયા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ સરકાર પોતાની યોજનાઓના ફાયદા ગણાવી રહી છે, તો બીજી તરફ ખેડૂત નેતાઓ જમીની વાસ્તવિકતાનો હવાલો આપી રહ્યા છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેતી અને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે. ત્યારે રાજ્યની જનતા મીટ માંડીને બેઠી છે કે સરકાર ક્યારે સત્તાવાર જાહેરાત કરશે.
સરકારનો પક્ષ અને આગામી આયોજન
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેત ઉત્પાદનના આંકડા અને વિસ્તૃત સર્વે બાદ જ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કરવામાં આવશે.
મંત્રીના દાવા મુજબ, દ્વારકા અને પોરબંદર સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ખેત ઉત્પાદનના પ્રાથમિક આંકડા તૈયાર કરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ જ આગળની સત્તાવાર કાર્યવાહી થશે.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાલની સરકારી યોજનાઓને કારણે અગાઉના દાયકાઓ જેવી દુષ્કાળની ગંભીર સ્થિતિ હવે રહી નથી. સરકાર પાસે પીવાના પાણી અને ઘાસચારાનું પૂરતું આયોજન છે.
પાણી અને ઘાસચારા માટેની વ્યવસ્થા
મંત્રી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આવેલા તળાવોની આસપાસ ઘાસ ઉગાડવા માટે સ્થાનિક તંત્રને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે.
સિંચાઈના પાણી અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, સરકારની પહેલી પ્રાથમિકતા પીવાનું પાણી છે. પીવાનું પાણી રિઝર્વ રાખ્યા બાદ જો જથ્થો બચશે તો જ તે સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે.
આ ઉપરાંત, ‘સૌની યોજના’ મારફતે જે વિસ્તારોમાં પાણીની વધુ જરૂરિયાત છે, ત્યાં પૂરતું પાણી પહોંચાડવાનું સુદઢ આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
પાલ આંબલિયાના સરકાર પર આકરા પ્રહાર
મંત્રીના આ તમામ દાવાઓ પર કિસાન નેતા પાલ આંબલિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે મંત્રી કુંવરજી બાવળિયાને દ્વારકા જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લેવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે.
આંબલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, નેતાઓએ માત્ર સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાંથી બહાર આવીને રિયલમાં (વાસ્તવિકતામાં) લોકોને ઘાસચારો અને પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ.
તેમણે સરકારને સર્વેના નાટકો બંધ કરવાની અપીલ કરી છે. સાથે જ નિયમોનુસાર ખેડૂતોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લાભો આપવાની ઉગ્ર માંગણી પણ કરી છે.
માલધારીઓની હિજરત અને જમીની વાસ્તવિકતા
સ્થાનિક પરિસ્થિતિનો ચિતાર આપતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, અનેક ગામડાઓમાં 8 થી 28 દિવસ સુધી પીવાનું પાણી ન આવતું હોવાની વ્યાપક અને ગંભીર ફરિયાદો ઊઠી રહી છે.
સરકારે શરૂ કરેલા ઘાસચારા વિતરણ કેન્દ્રો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પૂરતો ઘાસચારો ન મળવાને કારણે માલધારીઓની હાલત કફોડી બની છે.
પોતાના પશુધનને બચાવવા માટે માલધારીઓ પોતાના વતનથી અન્ય વિસ્તારોમાં હિજરત કરવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ સરકારના દાવાઓની પોલ ખોલી રહી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.
