ગુજરાત સહિત દેશના રાજકારણમાં વોટ ચોરીના મુદ્દે ચર્ચા તેજ બની છે. મહેસાણામાં કોંગ્રેસના સાંસદે કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને કરેલા આક્ષેપો બાદ હવે ભાજપના નેતા નીતિન પટેલે વળતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓને ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો છે. આ પડકારનો કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીએ સ્વીકાર કરતાં રાજકીય ચર્ચામાં નવો વળાંક આવ્યો છે.
‘જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર’
નીતિન પટેલે જણાવ્યું કે તેઓ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સાથે જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે ચર્ચા દ્વારા સત્ય હકીકતો જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. નીતિન પટેલના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પાસે જનતા સમક્ષ રજૂ કરવા માટે મુદ્દાઓનો અભાવ હોવાથી પક્ષના નેતાઓ આક્ષેપબાજીનો સહારો લઈ રહ્યા છે. ભાજપ અને સરકાર તરફથી સમગ્ર મામલે હકીકતો રજૂ કરવા તેઓ તૈયાર હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.