સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ મૂકવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના મથુરામાંથી પ્રકાશમાં આવ્યો છે. મથુરા પોલીસે એક એવા શાતિર ઠગની ધરપકડ કરી છે, જે સોશિયલ મીડિયા દ્વારા રૂપાળી મહિલાઓનો સંપર્ક કરતો હતો. તે મહિલાઓને તેમના પતિ અને પરિવારના સભ્યો સામે ભડકાવી, તેમના મનમાં ડર અને અવિશ્વાસ ઊભો કરીને તેમને પોતાની માયાજાળમાં ફસાવતો હતો.
ત્યારબાદ તેમની પાસેથી કિંમતી દાગીના પડાવીને ફરાર થઈ જતો હતો.
પતિ વિરુદ્ધ ઉશ્કેરીને બનાવતો હતો શિકાર
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીનું નામ લોકેન્દ્ર છે. આ ભેજાબાજ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને મહિલાઓને નિશાન બનાવતો હતો. તે મહિલાઓ સાથે દોસ્તી કરીને તેમના કૌટુંબિક જીવનમાં ઝેર ઘોળતો હતો. પતિ અને પરિવાર પ્રત્યે અવિશ્વાસ પેદા કર્યા બાદ તે મહિલાઓને ગેરમાર્ગે દોરીને ડરાવતો હતો અને તેમની પાસેથી સોના-ચાંદીના કિંમતી ઘરણાં છળકપટથી મેળવી લેતો હતો. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેણે અત્યાર સુધી કેટલી મહિલાઓને આ રીતે લૂંટી છે.
પોલીસે 30 લાખની કિંમતના દાગીના કબજે કર્યા
હાઈવે પોલીસ મથકે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે 30 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. કબજે કરેલા સામાનમાં ચેન, વીંટી, કાનના ટોપ્સ, હાર, બંગડીઓ અને મંગળસૂત્ર સહિત અનેક પ્રકારના ઘરેણાં શામેલ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપી લોકેન્દ્ર વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાહિત કેસો નોંધાયેલા છે. હાલ પોલીસ તેની કડક પૂછપરછ કરી રહી છે જેથી આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય રહસ્યો પરથી પણ પડદો ઊંચકાઈ શકે.
