નવી દિલ્હી, તા. 27 : દવાઓના મહત્તમ છૂટક ભાવ (એમઆરપી) અને છૂટક વિક્રેતા માટેના ભાવ વચ્ચે રહેલા પ્રચંડ તફાવત અંગે કેન્દ્ર સરકારને સવાલ કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આખી વ્યવસ્થા દવા ઉત્પાદકોને મદદ કરવા માટે શા માટે કામ કરી રહી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દવાના ભાવ નિર્ધારણ કરતી નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝિંગ ઓથોરિટી (એનપીપીએ)ને નિક્રિય ગણાવતાં સવાલ ઉઠાવ્યો હતો કે દવાઓની કિંમતો પર લગામ શા માટે લગાવાવમાં આવતી નથી.સરકારે સર્વોચ્ય અદાલતમાં દલીલ કરી હતી કે, ભારતમાં દવાની કિંમતો વિશ્વમાં સૌથી ઓછી છે, કોર્ટે કહ્યું કે, સરકારની નજર સામે આ બધું થઈ રહ્યું છે. કેર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે શું તેને આ જ રીતે અનિયંત્રિત ચાલવા દેવું જોઈએ. કેન્દ્રએ જણાવ્યું કે, તેની નીતિ સમગ્ર દવા વ્યાપારને નિયંત્રિત કરવાની નથી. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.સુપ્રીમ કોર્ટની ખંડપીઠ દેશમાં દવાઓના ભાવ નિર્ધારણના મુદ્દાને ઉઠાવતી બે અરજી પર સુનાવણી કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 12મી ઓકટોબરની સુનાવણી દરમ્યાન સર્વોચ્ય અદાલતે કેન્સર વિરોધી દવાઓના વેપાર નફાના ગાળાને મહત્તમ છૂટક કિંમતના 30 ટકા સુધી મર્યાદિત કરવા અંગે કેન્દ્ર સરકારના પ્રતિસાદને `ખુશ થવા જેવો બિલકુલ ન હોવાનું’ અવલોકન કર્યું હતું.