નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસકામોમાં ઉત્તરોત્તર વધારો કરીને ફાટકમુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે અને રાજ્યભરમાં વિકાસ કામોનું આયોજન કર્યું છે. રાજ્યમાં નિર્માણ પામી રહેલા દિલ્હી-મુંબઇ ડેડિકેટેડ ફેઇટ કોરિડોર ઉપર ૬૦ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે તે પૈકી ૧૦ ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું છે અને ૫૦ રેલ્વે ઓવરબ્રીજના કામો પ્રગતિ હેઠળ છે.
આજે ગાંધીનગર ખાતેથી રૂા. ૭ર કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર – માનસરોવર ખાતે તથા ડીસા-ધાનેરા હાઇવે પર ધાનેરા ખાતે નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે નાગરિકોના સમય, ઇંધણની બચત સાથે સલામત મુસાફરી મળી રહે એ આશયથી ફાટકમુક્ત ગુજરાતના નિર્માણનું સપનું જોયું છે એને સત્વરે પૂર્ણ કરાશે. રાજ્યના શહેરો, નગરો, હાઇવે પર રેલ્વે ઓવરબ્રીજના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ બંને ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે થઇ રહ્યો છે તેને ધ્યાને લઇને વિકાસકામો, માર્ગોની સુવિધાઓનું નિર્માણ કરવું એ અમારી પ્રાથમિકતા છે અને એ મુજબ ગુણવત્તાલક્ષી કામોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં માર્ગ વિકાસના પરિણામે ખેડૂતોની જમીનના ભાવો પણ વધ્યા છે.
તેમણે ઉમેર્યું કે, દિલ્હી-મુંબઇ કોરિડોર કે જેનો ૫૮૮ કિ.મી.નો વિસ્તાર ગુજરાતમાંથી પસાર થાય છે તેના કામો પણ પૂર્ણતાના આરે છે. જેના પરિણામે દેશનું આર્થિકતંત્ર વધુ વેગવાન બનશે. વડાપ્રધાનશ્રીનું આત્મનિર્ભર ભારતનું સપનું પણ આજે સાકાર થઇ રહ્યું છે. તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન આજે દેશમાં થઇ રહ્યું છે. જેની આયાત-નિકાસ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાતના બંદરો પરથી ઉત્તર ભારતના મોટાભાગના માલ-સામાનની નિકાસ થાય છે એને ધ્યાને રાખીને માર્ગ વિકાસના કામોને વધુને વધુ ગુણવત્તાલક્ષી બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેના પરિણામે યાતાયાતની સુદૃઢ સુવિધાઓ થકી રોજગારીનું પ્રમાણ પણ વધશે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં ન થયા હોય તેવા માર્ગ વિકાસના કામો અમારી સરકાર કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધામાં વધારો થઇ રહ્યો છે એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા બનાવવા માટે મોટાભાગના ગામડાઓને આવરી લેવાયા છે. જેના લીધે ગ્રામ્યસ્તરે પણ પરિવહન સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રૂા. ૪૧.૫૩ કરોડના ખર્ચે પાલનપુરના માન સરોવર ખાતે નિર્માણ થયેલ રેલ્વે ઓવરબ્રીજ ૧૩૯૫ મીટર લંબાઇ ધરાવતો દ્વિમાર્ગીય બ્રીજ છે. જેની પહોળાઇ ૮.૪૦ મીટર છે અને બ્રીજના એક તરફ પ.૫૦ મીટરનો પહોળો સર્વિસ રોડ પણ તૈયાર કરાયો છે. અમદાવાદથી દિલ્હી સુધીમાં પેસેન્જર ટ્રેઇન અને માલવાહક ટ્રેઇન માટે હાલ એક જ રેલ્વે ટ્રેક છે. રેલ્વે અને ડી.એફ.સી.સી. દ્વારા ચાર ટ્રેક પર ટ્રેઇન ચલાવવાની યોજના હાથ ધરાઇ છે. બ્રીજના લોકાર્પણથી પાલનપુરના નાગરિકોની સુવિધામાં વધારો થયો છે.
એ જ રીતે રૂા. ૩૧ કરોડના ખર્ચે ડીસા-ધાનેરાના નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધાનેરા ખાતે નિર્મીત ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રીજની કુલ લંબાઇ ૮૬૫ મીટર છે અને રેલ્વે પુલની લંબાઇ ૭ર મીટર, બ્રીજની એપ્રોચ લંબાઇ ૬૫૫ મીટર તથા બ્રીજના બન્ને બાજુ ૩.૫૦ મીટર પહોળો સર્વિસ રોડ તૈયાર કરાયો છે. આ રેલ્વે ઓવરબ્રીજ ધાનેરા અને થરાદ તાલુકો તેમજ રાજસ્થાનના રાનીવાડા અને સાંચોટ તાલુકાના જોડતા રસ્તાઓ માટે કડીરૂપ પુલ છે. જેના પરિણામે ધાનેરા શહેરના નાગરિકોના ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.
આ પ્રસંગે પાલનપુર ખાતે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ અને ધાનેરા ખાતે પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે માર્ગ-મકાન વિભાગના સચિવ શ્રી સંદીપ વસાવા અને મુખ્ય ઇજનેર શ્રી પટેલીયા પણ જોડાયા હતા.