કોલકાતાના સરસુના વિસ્તારમાં પ્રેમપ્રસંગને લઈને એક યુવક અને તેના પિતાને નગ્ન કરીને ફેરવવાની ઘટના ચર્ચામાં છે. આ મામલે આરોપ હતો કે યુવતીના પરિવારજનોએ બંને સાથે મારપીટ કરી હતી, તેમનાં કપડાં ઉતરાવ્યાં હતાં અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ મામલે કાર્યવાહી કરતાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને ઘટનાસ્થળ સહિત અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેમની સાથે પણ આ જ રીતે કપડાં ઉતરાવીને ફેરવવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી.આ દરમિયાન હવે પીડિત યુવકનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે સમગ્ર ઘટના, મળેલી ધમકીઓ અને જાહેરમાં થયેલા અપમાન અંગે પોતાની આપવીતી જણાવી છે.
પીડિત યુવકે જણાવ્યું હતું કે, ‘હું માત્ર તેને મળવા ગયો હતો. હું તેનો હાથ પકડીને તેની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે જ યુવતીના મામાના એક મિત્રએ અમને જોઈ લીધા અને કહ્યું, ‘ઊભો રહે, હવે તારી ખેર નથી. હવે તારી સાથે શું થાય છે તે જોજે.’ તેણે યુવતીને ત્યાંથી જવાનું કહ્યું. યુવતીએ તેને કહ્યું કે મારી સાથે કંઈ ન કરો, મારી કોઈ ભૂલ નથી અને મારા મામાને પણ ફોન ન કરો. તે પોતે પણ ત્યાંથી ગઈ નહોતી.
‘આટલું હોવા છતાં તે વ્યક્તિએ યુવતીના મામાને ફોન કરી દીધો. થોડા સમય બાદ તેના મામા ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ તેમણે યુવતીના પિતાને પણ બોલાવ્યા અને તેઓ પણ ઘટનાસ્થળે આવી ગયા. યુવતીના પિતાએ મને મારા પિતાને ત્યાં બોલાવવા કહ્યું. મેં મારા પિતાને ફોન કરીને જણાવ્યું કે હું મુશ્કેલીમાં છું અને તેઓ તાત્કાલિક ત્યાં આવી જાય.
‘મારો એક મિત્ર પણ નજીકમાં ચા પી રહ્યો હતો. તેણે આ બધું જોયું તો તે પણ અમારી પાસે આવી ગયો. યુવતીના મામા અને પિતાએ અમને પૂછ્યું કે શું અમે મિત્રો છીએ? અમે હા પાડતાં તેમણે મારા મિત્રને પણ પકડી લીધો.
‘ત્યારબાદ અમને બાઇક પર બેસાડીને યુવતીના ઘરે લઈ જવામાં આવ્યા. ત્યાં પહોંચતાં જ તેમણે અમારાં કોલર પકડીને અમને ઘરની અંદર ખેંચી લીધા અને દરવાજો બંધ કરી દીધો. ઘરની અંદર અમારી સાથે ગાળાગાળી કરવામાં આવી, મારપીટ કરવામાં આવી અને ત્રાસ આપવામાં આવ્યો. યુવતીએ કંઈક કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ માર મારવામાં આવ્યો અને ધમકીઓ આપવામાં આવી.
‘જ્યારે મારા પિતા ત્યાં પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી. ત્યારબાદ યુવતીના મામાએ મારા પિતા સામે ત્રણ વિકલ્પ મૂક્યા. પ્રથમ, તેમને એક પિસ્તોલ આપીને મને ગોળી મારવાનું કહેવામાં આવ્યું. બીજો વિકલ્પ એ હતો કે તેમને એક છરી આપીને તેને ગરમ કરી મને મારી નાખવા માટે કહેવામાં આવ્યું. ત્રીજો વિકલ્પ એ હતો કે અમે અમારાં કપડાં ઉતારીને ત્યાંથી જતા રહીએ, નહીં તો અમારી સામે પોક્સો (POCSO) હેઠળ કેસ નોંધાવવામાં આવશે.
‘શરૂઆતમાં અમે કપડાં ઉતારવા તૈયાર નહોતા, પરંતુ યુવતીના પિતા અને મામા સતત મારપીટ કરી રહ્યા હતા અને ધમકીઓ આપી રહ્યા હતા. આખરે મજબૂર થઈને અમે કપડાં ઉતારી દીધાં. અમે નગ્ન થતાં જ આસપાસના લોકો અમારી મજાક ઉડાવવા લાગ્યા અને વીડિયો બનાવવા લાગ્યા. બાદમાં આ વીડિયો ફેસબુક પર પણ અપલોડ કરવામાં આવ્યા.
‘કેટલાક લોકોએ અમને આ હાલતમાં જોયા અને શું થયું છે તે પૂછ્યું. સમગ્ર ઘટના જાણ્યા બાદ તેઓ અમારા માટે કપડાં લઈ આવ્યા. અમે કપડાં પહેર્યાં અને યુવતીની માતાને વીડિયો હટાવવા વિનંતી કરી, પરંતુ યુવતીના મામાએ ધમકી આપી કે વીડિયો હટાવવામાં નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે જો અમે ત્યાંથી નહીં જઈએ તો અમને ગોળી મારી દેવામાં આવશે.
‘ત્યારબાદ અમે ત્યાંથી જતા રહ્યા. યુવતીના મામા અને તેમના સાથીઓ ફરાર થઈ ગયા અને તેમણે પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા. યુવતીના પિતા ઘરમાં જ છુપાયેલા હતા, પરંતુ પોલીસ અમને કહેતી રહી કે તેઓ ત્યાં નથી. જોકે, બાદમાં તેઓ એ જ ઘરમાંથી મળી આવ્યા.
‘હું યુવતીને જિમમાં મળ્યો હતો. અમે બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. અમે અમારા સંબંધ વિશે પરિવારજનોને કંઈ જણાવ્યું નહોતું.’
