રાજ્યમાં દર વર્ષે સાપ કરડવાના 5500 થી 6000 કેસ નોંધાય છે. સાપ કરડયા બાદ પીડિત વ્યક્તિને એન્ટી સ્નેક વેમનનું ઇન્જેક્શન આપવામાં આવે છે જે શરીરમાંથી ઝેરની અસર નાબુદ કરી નાખે છે. જોકે ક્યારેક એવું બને છે કે અંતરીયાળ વિસ્તારોમાંથી અને વાહનની વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જાય છે. અથવા હોસ્પિટલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી અન્ય હોસ્પિટલ લઈ જવા પડે છે તેમાં સમયનો વ્યય થાય છે અને માણસનો જીવ જોખમમાં મુકાઈ જાય છે.આવું ન થાય તે માટે રાજ્ય સરકારે હવે 108 સંચાલિત તમામ એમ્બ્યુલન્સમાં એન્ટી સ્નેક વેનમના 10-10 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી દીધા છે. જેથી દર્દીને તાત્કાલિક ઇન્જેક્શન આપી તેનો જીવ બચાવી શકાય. 108ની રેગ્યુલર એમ્બ્યુલન્સમાં વર્ષોથી સર્પદંશની સારવાર માટે એન્ટી સ્નેક વેનમ ઈન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે હવે બાકી રહેલી અન્ય એમ્બ્યુલન્સોમાં પણ ઈન્જેક્શન આપી દેવાયા છે.
જેને પગલે 108 સંચાલિત જિલ્લાની તમામ એમ્બ્યુલન્સમાં એન્ટી સ્નેક વેનમ ઈન્જેક્શનની સુવિધાથી સજ્જ થઈ ગઈ છે. સર્પદંશના સૌથી વધુ કેસો ચોમાસા દરમિયાન જે બાદ ઉનાળામાં સામે આવતા હોય છે. સર્પદંશના કિસ્સાઓમાં 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સ્થળે દર્દી સુધી પહોંચી જરૂરી પ્રાથમિક સારવાર તેમજ સંજીવની સમાન એન્ટિ-વેનમ ઈન્જેક્શન આપે છે. સાપ કરડવાની ઘટનાઓમાં દર્દીને ગોલ્ડન અવરમાં જ ત્વરિત અને જીવનરક્ષક સારવાર મળી રહે તે હેતુથી દરેક ગાડીમાં એન્ટી સ્નેક વેનમ ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
108 એમ્બ્યુલન્સ પાસે સર્પદંશ રિલેટેડ બે પ્રકારના કોલ મળે છે. જેમાં એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ તથા બીજામાં દર્દીને ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટે કોલ મળે છે. તબીબોના મતે બિન ઝેરી સાપ કરડવાના કિસ્સામાં એન્ટી સ્નેક વેનમ ઈન્જેક્શનની જરૂર રહેતી નથી. પરંતુ ઝેરી સાપ કરડવાના કિસ્સામાં સમયસર ઈન્જેક્શન આપવું જરૂરી છે.
ઘણીવાર દર્દીને ખબર નથી હોતી કે સાંપ ઝેરી હતો કે બીનઝેરી. જેને પગલે દર્દીનો જીવ બચાવવા તેને ઈન્જેક્શન આપી દેવાય છે. એન્ટી સ્નેક વેનમની માણસની શરીર પર કોઈ આડ અસર નથી. ઝેરી સાંપ કરડતાં હ્ય્દય ફેઈલ થઈ જવું, હ્ય્દયના ધબકારા વધી જવા, બીપી વધી કે ઘટી જવું, લોહી ગંઠાઈ જવું, બેભાન થવું કે ભારે તાવ જેવી સમસ્યા થાય છે.
અમુક ઝેર નર્વ સિસ્ટમને અસર કરતાં સ્નાયુઓની નબળાઈ, લકવાની અસર કે મૃત્યુ પણ થઈ શકે છે. અમુક ઝેર પેશીઓના નાશ કરતાં સોજો, ભારે પીડા પણ મોતનું કારણ બની શકે છે. જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ લોકોને અનુરોધ કરાય છે કે, કોઈપણ વ્યક્તિને સાપ કરડે તો જરાય સમય ગુમાવ્યા વગર તુરંત જ 108 પર કોલ કરી એમ્બ્યુલન્સની મદદ મેળવી લેવી જોઈએ. 108ની ટીમ પીડિત વ્યક્તિના સ્થાન અથવા ઘર સુધી પહોંચીને ઘટનાસ્થળે જ જરૂરી અન્ટી સ્નેક વેનમ ઈન્જેક્શન તથા યોગ્ય પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.
