કોઇ લૂંટ નહોતી થઇ: અમદાવાદના વેપારીએ જાતે જ પેટમાં 8 ઘા માર્યા હતા, કેમ રચ્યું તરકટ?

Spread the love

શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બનેલી લૂંટની ઘટનામાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વેપારીને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારીને રૂપિયા 15 લાખની લૂંટ થઇ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાહપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લૂંટ તેમજ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.જો કે, પોલીસની તપાસમાં ઇજાગ્રસ્ત વેપારી પોતે જ શંકાસ્પદ લાગતા પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં તેણે આર્થિક સંકડામણના કારણે આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

 

8મી ઓક્ટોમ્બરે રાતના સવા દસ વાગ્યાની આસપાસ રેંટીયાવાડી, મિર્ઝાપુર વિસ્તારમાં આવેલા પ્રીમિયર શોપિંગ સેન્ટરમાં ચાર અજાણ્યા શખ્સો મોહંમદસાજીદ શેખ નામના વેપારીને પેટ અને કાંડાના ભાગે આઠથી દસ છરીના ઘા મારીને રોકડ રૂપિયા 15 લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાહપુર પોલીસ, ઝોન 2 એલસીબી અને ક્રાઇમબ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

 

પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ, વેપારીઓ અને એફએસએલની મદદ લઇને તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસની તપાસમાં ઇજા પામનાર વેપારી જ કંઇક છૂપાવી રહ્યા હોવાની શંકા ગઇ હતી. જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસએ યુક્તિ પ્રયુક્તિથી તેઓની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેઓને ધંધા માટે લીધેલ અલગ અલગ બેંક લોનના હપ્તા ભરવાના હતા અને ટૂંક સમયમાં જ વીસીના સભ્યોના 22 લાખ 50 હજાર જેટલી રકમ ચૂકવવાની હતી. જે રૂપિયા તેઓ ચૂકવી શકે તેમ પરિસ્થિતિ ન હોવાથી તેમણે લૂંટનું તરકટ રચ્યું હતું.

 

તપાસમાં જાણવા મળ્યું કે, આયોજનબદ્ધ પોતાની જાતે જ પેટના ભાગે આઠ જેટલા ઘા અને હાથના કાંડાના ભાગે બે જેટલા ઘા મારીને પોતાની પાસેથી લૂંટારૂઓ રૂપિયા 15 લાખ રોકડા લઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જે મામલે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *