અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા શાહપુર વિસ્તારમાં ગત 8 ઓક્ટોબરના રોજ પ્રીમિયર શોપિંગ સેન્ટરમાં 15 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ થયાની એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી. આ મામલે સાજિદ શેખ નામના શખ્સે શાહપુર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તબક્કે આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી, પરંતુ પોલીસની ઉંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં જેણે પોલીસને જાણ કરી હતી તે જ શખ્સે આ આખું નાટક રચ્યું હોવાનું બહાર આવ્યું છેમૂળ ફરિયાદ મુજબ, 8 ઓક્ટોબરના રોજ પ્રીમિયર શોપિંગ સેન્ટરમાં ચાર અજાણ્યા શખ્સોએ સાજિદ શેખ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસે રહેલા 15 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. સાજિદે પોલીસ સમક્ષ રડતાં-રડતાં એવું નિવેદન આપ્યું હતું કે હુમલાખોરોએ તેના શરીરે અલગ-અલગ જગ્યાએ છરીના 10 જેટલા ગંભીર ઘા મારીને આ લૂંટ ચલાવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝોન-2 ના ડીસીપી ભરત રાઠોડ અને શાહપુર પોલીસ સ્ટેશનની ટીમે તુરંત જ અલગ-અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દેવાની ભારે જાળમાંથી બચવા રચ્યું કાવતરું
પોલીસે જ્યારે ઘટનાસ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ્સ અને સાજિદની હિલચાલની ક્રોસ-વેરિફિકેશન સાથે ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે પોલીસની શંકા સાજીદ તરફ ગઈ હતી. પોલીસ પૂછપરછમાં સાજિદે પોતે જ કબૂલાત કરી હતી કે તેણે કોઈ પણ લૂંટારૂઓ દ્વારા હુમલો થયો ન હતો, પરંતુ આખો બનાવ જાતે જ ઊભો કર્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે સાજિદ ઉપર બેંકના 4 લાખ રૂપિયાના હપ્તા ભરવાના બાકી હતા અને આ ઉપરાંત 22.50 લાખ રૂપિયા જેટલી મોટી રકમ વીસીના સભ્યોને ટૂંકા સમયગાળામાં ચૂકવવાની હતી.
આ ભારે આર્થિક દેવા અને દબાણમાંથી મુક્તિ મેળવવા માટે સાજિદે અનોખો અને જોખમી રસ્તો અપનાવ્યો હતો. તેણે દેવું ચૂકવવું ન પડે અને લોકો તથા પરિવારની નજરમાં સહાનુભૂતિ મળે તે માટે જાતે જ પોતાના શરીર પર છરીના ઘા મારી લીધા હતા. આટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે શાહપુર પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.
પોલીસની સઘન પૂછપરછ અને આગેવાની
આ મામલે અમદાવાદ શહેર ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડના માર્ગદર્શન હેઠળ શાહપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી નાખ્યો હતો. પોલીસે ખોટો બનાવ ઊભો કરીને કાયદાકીય પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવા બદલ સાજિદ શેખ વિરુદ્ધ કાયદેસરની વધુ કડક તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
