વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડીમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરતાં તેમણે બનાસકાંઠાના લોકોના ઉત્સાહ અને વિશાળ જનમેદનીનાં ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, “આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો. દુનિયામાં આટલી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય. આ તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સમાન છે.”પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત મા અંબાની પાવન ભૂમિને નમન કરીને કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાંથી યાત્રાની શરૂઆત કરી હતી, આજે ફરી આ ભૂમિ પર આવવાનો અવસર મળ્યો છે. અહીં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે.
ખેડૂતોને સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. અમારી સરકારે ખેડૂતોને હંમેશાં પ્રાથમિકતા આપી છે. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીએ પાંચ ગણું વધારવામાં આવ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નાના ખેડૂતો માટે મોટો સહારો બન્યો છે. આજે 18 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં નાણાં પહોંચ્યા છે, જેમાં બનાસકાંઠાના ખેડૂતોના ખાતામાં પણ આશરે 50 કરોડ રૂપિયા જમા થયા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને સસ્તું ખાતર મળી રહે તે માટે સરકારે મોટી રકમ ખર્ચી છે. છેલ્લા 12 વર્ષમાં ખેતીને નુકસાન થવા પર વીમા યોજનાઓ મારફતે ખેડૂતો સુધી આશરે 2 લાખ કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે. પીએમ કુસુમ યોજના હેઠળ 12 લાખ સોલાર પંપ આપવામાં આવ્યા છે, જેનાથી ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલના ખર્ચમાં રાહત મળી રહી છે.પીએમ મોદીએ કહ્યું કે, નાના ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર સતત કામ કરી રહી છે અને ખેડૂતોની આવક તથા સુવિધાઓ વધારવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
