ભારતમાં અનેક અનોખાં બજારો આવેલાં છે, પરંતુ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલું એક બજાર પોતાની વિશેષતાને કારણે દુનિયાભરમાં જાણીતું છે. અહીં હજારો મહિલાઓ દુકાનો ચલાવે છે અને વેપારની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે. આ બજારની ખાસ વાત એ છે કે પુરુષો અહીં ખરીદી કરવા આવી શકે છે, પરંતુ દુકાનદાર તરીકે દુકાન ચલાવી શકતા નથી.
આ અનોખા બજારનું નામ છે ‘ઇમા કેથેલ’, જેને ‘માતાઓનું બજાર’ પણ કહેવામાં આવે છે.
કેવી રીતે થઈ શરૂઆત?
ઇમા કેથેલનો ઇતિહાસ આશરે 400 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. 16મી સદીની આસપાસ મણિપુરમાં ‘લલ્લુપ-કાબા’ નામની વ્યવસ્થા હતી. આ વ્યવસ્થા હેઠળ પુરુષોને રાજા માટે ફરજ બજાવવા સેનામાં જોડાવું પડતું અથવા કામ માટે ઘરથી દૂર જવું પડતું હતું. પરિણામે પરિવાર અને ખેતીની જવાબદારી મહિલાઓના ખભા પર આવી ગઈ હતી. મહિલાઓએ પોતાની જરૂરિયાતો પૂરી કરવા બજારમાં વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આ બજારનું સ્વરૂપ વિકસતું ગયું. ઇમા કેથેલમાં 3,000થી વધુ મહિલાઓ વેપાર કરે છે. અહીં શાકભાજી, ફળો, માછલી, મસાલા, પરંપરાગત મણિપુરી કપડાં, હાથવણાટનાં કાપડ, વાંસની ટોપલીઓ અને હસ્તકલાની વસ્તુઓ મળે છે. અનેક મહિલાઓ માટે આ બજાર આવકનો મુખ્ય સ્ત્રોત છે. ઘણી દુકાનોની જવાબદારી પેઢી દર પેઢી આગળ વધે છે.
મહિલા શક્તિનું પ્રતીક છે આ બજાર
ઇમા કેથેલ માત્ર વેપારનું કેન્દ્ર નથી, પરંતુ મણિપુરની મહિલાઓની એકતા અને સંઘર્ષનું પ્રતીક પણ છે. 1904 અને 1939ના ‘નુપી લાલ’ મહિલા આંદોલનોમાં પણ બજાર સાથે જોડાયેલી મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે આ બજાર મણિપુરની સંસ્કૃતિ અને મહિલાઓની આત્મનિર્ભરતાની અનોખી ઓળખ બની ગયું છે.