સુરતમાં ‘JANKI GOLD’ના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ! પાંડેસરાની અગ્રવાલ ટ્રેડિંગમાં પકડાયું નકલી ચોખાનું વેચાણ

Spread the love

શહેરના પાંડેસરા વિસ્તારમાં અનાજના વેપાર સાથે સંકળાયેલી જાણીતી અગ્રવાલ ટ્રેડિંગ કંપનીનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. સાણંદ સ્થિત જાનકી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ‘JANKI GOLD’ બ્રાન્ડના નામનો દુરુપયોગ કરી ડુપ્લિકેટ થેલીઓમાં ચોખાનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

 

પ્રાથમિક વિગતો અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલી અગ્રવાલ ટ્રેડિંગ કંપની દ્વારા ‘JANKI GOLD’ નામની અસલી બ્રાન્ડ જેવી જ દેખાતી ડુપ્લિકેટ થેલીઓ પ્રિન્ટ કરાવવામાં આવી હતી.ત્યારબાદ આ થેલીઓમાં ચોખા ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.

 

આ સમગ્ર મામલે સાણંદની જાનકી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોને જાણ થતાં તેઓએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. કંપનીના સંચાલકો દ્વારા પોલીસને સાથે રાખીને અગ્રવાલ ટ્રેડિંગ કંપની ખાતે રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્રાન્ડના નામે ડુપ્લિકેટ પેકિંગ કરીને ચોખાનું વેચાણ કરવાના કથિત ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. આ મામલે અગ્રવાલ ટ્રેડિંગ કંપની સાથે સંકળાયેલા સુરજ બીરેન્દ્ર સામે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

 

અનાજના વેપારમાં જાણીતા નામે ચાલતી કંપની સામે જ બ્રાન્ડની નકલ કરીને વેપાર કરવાનો આક્ષેપ સામે આવતા વેપારી આલમમાં પણ ચર્ચા જાગી છે. હવે પોલીસ તપાસમાં ડુપ્લિકેટ થેલીઓ ક્યાં પ્રિન્ટ કરાવવામાં આવી હતી, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી અને કેટલા પ્રમાણમાં ચોખાનું વેચાણ કરવામાં આવ્યું હતું તે સહિતની વિગતો બહાર આવે તેવી શક્યતા છે. બ્રાન્ડની ઓળખનો દુરુપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ છે કે કેમ તે દિશામાં પણ તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *