એસીબીની રડારમાં મનપાનો આઉટસોર્સ ઇન્સ્પેક્ટર 22 હજારની લાંચ લેતા ક્લીનબોલ્ડ

Spread the love

રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર મનપામાંથી ભ્રષ્ટાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. મનપાની CNCD શાખામાં ફરજ બજાવતા અને આઉટસોર્સ એજન્સી હેઠળ લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા લાંચિયા કર્મચારીએ પશુપાલકને પાસેથી 22 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર ટાણે જ એસીબીના આ સફળ છટકાથી મનપાના વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

આરોપીએ હત્પા પેટે 40 હજારની માગ કરી હતી આ કેસના ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 22 વર્ષીય આરોપી જયદીપસિંહ રામસિંહ રાજપૂત ગાંધીનગર મનપાની કચેરીની સીએનસીડી શાખા અંતર્ગત ઢોર પકડવાની કામગીરી કરતી પાર્ટીમાં એલ.આઈ. (લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર) તરીકે નોકરી કરે છે. ફરિયાદીના પશુઓ પકડીને તેના પર નિયમોનુસારનો દંડાત્મક કેસ ન કરવા તેમજ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે હપ્તા પેટે આરોપીએ શરૂઆતમાં રૂ. 40 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોય અને લાંચ આપવા માંગતા ન હોય તેમણે લાંચિયા કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી.

22,000ની લાંચની રકમ સ્વીકારી, રંગે હાથ ઝડપાયો

 

જેના આધારે ગાંધીનગર એસીબીની ટીમે એક ટ્રેપનું આયોજન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-28 ખાતે આવેલા ગાર્ડનની પાછળના રોડ પર ગોઠવાયેલા આ છટકા દરમિયાન આરોપી જયદીપસિંહે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને નક્કી કર્યા મુજબની રૂ. 22,000ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની આ રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી લીધો હતો અને લાંચની રકમ સંપૂર્ણપણે રિકવર કરી લીધી હતી.

 

ગાંધીનગર એસીબીની આ કડક કાર્યવાહીથી મનપાના અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *