આજે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિતે રાજ્યમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી વંદન કર્યા હતા તો રાજ્યભરમાં સવારે ‘રન ફોર યુનિટી’નો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટમાં પણ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ થી શરૂ થયું હતું.આ કાર્યક્રમ બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર ડો.નેહલ શુક્લ સહિતના આગેવાનો સવારનો નાસ્તો કરવા કોટેચા ચોક પહોચ્યા હતા. કોટેચા ચોક પાસે ગજાનન હાઉસ ખાતે ગરમ ગાંઠિયા મરચા જલેબીની લિજ્જત માણી હતી. આ ઉપરાંત ઉપસ્થિત અન્ય નાગરિકો સાથે વાતો પણ કરી હતી. ખાસ વાત એ છે.
કે, જીતુભાઈએ ગરમ તાવડો જ્યાં ગાઠિયા અને મરચા બનાવવામાં આવતા હતા ત્યાં હાથ અજમાવ્યો હતો. તેઓ ખુદે ગરમા ગરમ ગાઠિયા અને મરચા બનાવ્યા હતા. આ સાથે તમામ ભાજપના આગેવાનોએ “બ્રેકફાસ્ટ વિથ યુનિટી’ જેવો એક સંદેશ આપ્યો હતો જેમાં સૌ કોઈએ એક જ થાળીમાં ગાંઠિયા સંભારો મરચાની મજા લીધી.