ઈન્દોરમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રામાં દંપતીએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા મંત્રી ભડકયા

Spread the love

ઈન્દોર તા.31 મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. આ કાર્યક્રમમાં સોશિયલ એક્ટિવિસ્ટ પ્રહ્લાદ પાંડે પોતાની પત્ની સાથે અચાનક પહોંચી ગયા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનું વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પ્રહ્લાદ પાંડેના હાથમાં રૂ.30 હજારના બલ્બ અને રૂ.33 હજાર પ્રતિ લિટર ફિનાઈલની ખરીદીનો હિસાબ માગતું પોસ્ટર હતું.જ્યારે તેમની પત્નીના હાથમાં ફિનાઈલની બોટલ હતી. સ્ટેજ સામે આ અનોખો વિરોધ જોઈ કાર્યક્રમમાં હાજર કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય ભારે ગુસ્સે ભરાયા હતા અને સ્ટેજ પરથી જ આકરા શબ્દોમાં ચેતવણી આપી પોલીસને બોલાવી લીધી હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપની પદયાત્રાના કાર્યક્રમ સ્થળે પ્રહ્લાદ પાંડે અને તેમની પત્ની સીધા જ મુખ્ય મંચ સામે પહોંચી ગયા હતા. તેમણે હાથમાં પકડેલા પોસ્ટરમાં કથિત સરકારી ખરીદીમાં રૂ.30000ના ભાવે એક બલ્બ અને રૂ.33000 પ્રતિ લિટરના ભાવે ફિનાઈલ ખરીદવા અંગે ખુલાસો માગ્યો હતો. મંચ સામે જ પત્ની હાથમાં ફિનાઈલની બોટલ લઈને ઊભી રહી જતાં સમગ્ર સભામાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને હંગામાનો માહોલ સર્જાયો હતો.

 

સામે આવી રહેલા વીડિયો અનુસાર, પોસ્ટર જોઈને મંત્રી કૈલાશ વિજયવર્ગીય સ્ટેજ પરથી જ નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેમણે માઇક પરથી જ કહ્યું કે, ‘અહીં ન્યૂસન્સ આવી ગયું છે, પોલીસ અધિકારીઓ જરા આગળ આવે. અમારે જે જવાબ આપવો હશે તે આપીશું, પણ તું અત્યારે અહીંથી નીકળી જા, નહીંતર લોકો તને ફ્રી ફંડમાં જવાબ આપી દેશે.’ મંત્રીના આ આકરા તેવર બાદ કાર્યક્રમમાં સન્નાટો છવાઈ ગયો હતો. મંત્રીએ જાહેરમાં પોલીસ અધિકારીઓને સૂચના આપતાં જ તૈનાત પોલીસ કાફલો તરત જ હરકતમાં આવી ગયો હતો. પોલીસે સ્થળ પરથી પ્રહ્લાદ પાંડે અને તેમની પત્નીને તાત્કાલિક ડિટેઈન કરીને કસ્ટડીમાં લઈ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *