દિવાળીના તહેવાર નિમિત્તે જેલમાં સજા ભોગવતા કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિશેષ પેરોલ આપવામાં આવે છે. આ વર્ષે રાજ્યના 143 કેદીને 15 દિવસની પેરોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે, કેદીઓને પેરોલ આપવાની મૂળ કાનૂની જોગવાઈ 1959ના ‘ધ પ્રિઝન્સ (બોમ્બે ફર્લો એન્ડ પેરોલ) રૂલ્સ’માં છે, પરંતુ આ નિયમોમાં દિવાળી જેવા તહેવાર નિમિત્તે પેરોલ આપવાની અલગ જોગવાઈ જોવા મળતી નથી. એટલે કે દિવાળી પેરોલ એ સામાન્ય પેરોલની જોગવાઈથી અલગ વિશેષ વ્યવસ્થા છે.
1959ના નિયમોમાં પેરોલ માટેનાં કારણો નક્કી કરાયાં હતાં
1959ના જેલ નિયમોના નિયમ 19 મુજબ કેદીને ગંભીર બીમારી, નજીકના સગાનું મૃત્યુ અથવા ઘર પડી જવું, પૂર અને આગ જેવી કુદરતી આફતના કિસ્સામાં પેરોલ આપી શકાય છે. આ નિયમમાં એક સમયે વધુમાં વધુ 30 દિવસની પેરોલની જોગવાઈ દર્શાવવામાં આવી છે. નિયમ 18માં પેરોલ મંજૂર કરવાની સત્તા કોની પાસે રહેશે તે નક્કી કરવામાં આવ્યું છે. નિયમ 21થી 24માં અરજી, તપાસ અને પેરોલની શરતો અંગેની જોગવાઈ
આ નિયમોમાં પેરોલ અને ફર્લો વચ્ચે પણ તફાવત કરવામાં આવ્યો છે. ફર્લો નિયમિત સમયાંતરે આપવામાં આવતી રજા છે, જ્યારે પેરોલ ચોક્કસ કારણોસર આપવામાં આવતી રાહત છે.
2003માં દિવાળી પેરોલની અલગ વ્યવસ્થા શરૂ થઈ
2003માં ગુજરાત સરકારે દિવાળીના તહેવાર નિમિત્તે વૃદ્ધ પુરુષ અને મહિલા કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા વિશેષ પેરોલની વ્યવસ્થા શરૂ કરી હતી. શરૂઆતમાં 70 વર્ષથી વધુ ઉંમરના પુરુષ કેદીઓ અને પાત્ર મહિલા કેદીઓને 10 દિવસની પેરોલ આપવામાં આવતી હતી. ત્યારબાદ આ વ્યવસ્થામાં ફેરફાર કરીને પુરુષ કેદીઓ માટેની ઉંમર મર્યાદા ઘટાડીને 60 વર્ષ કરવામાં આવી અને પેરોલનો સમયગાળો 15 દિવસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
23 વર્ષમાં પેરોલના માપદંડમાં ફેરફાર
શરૂઆતમાં 70 વર્ષથી વધુ ઉંમરના પુરુષ કેદીઓને 10 દિવસની પેરોલ મળતી હતી, જ્યારે હવે 60 વર્ષ કે તેથી વધુ વયના પાત્ર પુરુષ કેદીઓ અને પાત્ર મહિલા કેદીઓને 15 દિવસની પેરોલ આપવામાં આવે છે. આ વર્ષે 103 પુરુષ અને 40 મહિલા કેદીઓ સહિત કુલ 143 કેદીઓને 6 નવેમ્બરથી પેરોલનો લાભ મળશે.
ગંભીર ગુનાઓમાં સજા ભોગવતા કેદીઓને લાભ નહીં જેલ વિભાગના જણાવ્યા અનુસાર NDPS, TADA અને POTA હેઠળ સજા ભોગવતા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેદીઓ, એકથી વધુ ગુનાઓમાં સજા પામેલા કેદીઓ તેમજ બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓને દિવાળી પેરોલનો લાભ આપવામાં આવતો નથી. NRI અને અન્ય રાજ્યના વતની કેદીઓ તેમજ પ્રતિબંધાત્મક હુકમો લાગુ હોય તેવા કેદીઓ પણ આ લાભથી બાકાત છે.
