ફ્લાઈટ ભાડામાં 700% ઉછાળો? તો હવાઈ મુસાફરી ન કરોઃ સુપ્રીમ કોર્ટ

Spread the love

વિમાનના ભાડામાં લગભગ 700 ટકાનો મનસ્વી રીતે વધારો થતો હોવાના આક્ષેપ સાથે થયેલી અરજીની અર્જન્ટ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત થઈ હતી. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ અપરશે કુમાર સિંહની બેન્ચ સમક્ષ અરજદાર તરફથી જણાવાયું હતું કે, હવાઈ ભાડામાં 700 ટકાનો વધારો થયો છે અને આ બાબતની અર્જન્ટ સુનાવણી જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે આ દલીલને ફગાવી દેતા ટકોર કરી હતી કે, હવાઈ મુસાફરી ન કરો. અરજદારના એડવોકેટે કહ્યું કે, હવાઈ મુસાફરી એ એક આવશ્યક સેવા છે. બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતા સાથે સંબંધિત છે અને ભાડામાં મનસ્વી વધારો તેનું ઉલ્લંઘન છે.

 

સામાજિક કાર્યકર્તા એસ. લક્ષ્‍મીનારાયણન દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં તેમણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવા મજબૂત અને સ્વતંત્ર રેગ્યુલેટરની માંગ કરી છે. આ સાથે જ ભારતમાં ખાનગી એરલાઇન્સ દ્વારા લાદવામાં આવતા વિમાન ભાડા અને એન્સિલરી ચાર્જિસમાં થતા ઓચિંતી વધ-ઘટને નિયંત્રિત કરવા માટે નિયમનકારી માર્ગદર્શિકાની માંગ કરી છે.

આ અરજી પર અગાઉ સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે ઉડ્ડયન ક્ષેત્રને નિયંત્રિત કરવા લાવવામાં આવેલા 2024ના એક કાયદા હેઠળના નિયમોને વહીવટી મંજૂરી આપી દેવાઈ છે, અને તે બે અઠવાડિયામાં પ્રકાશિત થવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આગામી સુનાવણીની તારીખ 16 નવેમ્બરના રોજ ‘ભારતીય વાયુયાન અધિનિયમ, 2024’ હેઠળ પ્રકાશિત થયેલા નિયમોને કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.

 

સરકારે નવા એરક્રાફ્ટ નિયમો જાહેર કર્યાઃ જાન્યુઆરીથી લાગુ થશે

 

સરકારે નવા એરક્રાફ્ટ નિયમો સૂચિત કર્યા છે, જેમાં એરલાઇન્સે ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને કેન્સલેશન ફી સહિતના વિવિધ શુલ્કનું વિગતવાર બ્રેક-અપ આપવાનું રહેશે. આ નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે અને તે ‘એરક્રાફ્ટ રૂલ્સ, 1937’નું સ્થાન લેશે. 31 ઓક્ટોબરે સૂચિત કરાયેલા ભારતીય વાયુયાન નિયમ, 2026 હેઠળ, અસાધારણ પરિસ્થિતિના કિસ્સામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ ભાડાના સંદર્ભમાં હસ્તક્ષેપ પણ કરી શકે છે. જોકે, ‘અસાધારણ પરિસ્થિતિ’માં કોનો સમાવેશ થઈ શકે તે અંગેની સ્પષ્ટ વિગતો નથી અપાઈ. આ નિયમો ‘ભારતીય વાયુયાન વિધેયક, 2024’ હેઠળ બનાવાયા છે, જેણે 90 વર્ષ જૂના ‘એરક્રાફ્ટ એક્ટ, 1934’નું સ્થાન લીધું છે. નવા નિયમો અનુસાર, એરલાઇને બુકિંગ વેબસાઇટ પર અને બુક કરેલી ટિકિટ પર હવાઈ ભાડા અને તેને સંબંધિત શુલ્કનું બ્રેક-અપ દર્શાવવું પડશે. આ વિગતોમાં કુલ રકમ, મૂળ ભાડું, ટેક્સ, ફી, કેન્સલેશન શુલ્ક, રિફંડની શરતો અથવા અન્ય શુલ્ક (જો કોઈ હોય તો)અલગથી દર્શાવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *