યુરોપમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. કોઈ ગોળી કે મિસાઇલ છોડ્યા વિના યુરોપીયન દેશોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે ખાવાપીવાની વસ્તુઓને ફેંકી દેવી પડે છે.
પહેલાં ફ્રાન્સને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ત્યાં સાઇબર હુમલો સફળ રહ્યો, એટલે યુરોપના બીજા સાત દેશો પર પણ છૂપો હુમલો કરવામાં આવ્યો.હજી થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સમાંથી સમાચાર આવ્યા હતા કે, એકસામટા સેંકડો સુપરમાર્કેટ્સનાં ફ્રિજર્સ બગડી ગયા. રાતોરાત અનેક સુપરમાર્કેટનાં ફ્રિજરની ઠંડક બંધ થઈ ગઈ. સવારે કર્મચારીઓ કામ પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, ફ્રિજરમાં રાખેલો ખોરાક ગરમ થઈ રહ્યો છે. દૂધ, આઈસ્ક્રીમ અને ઠંડકમાં રાખવાની બીજી વસ્તુઓ બગડી ગઈ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આવું એકાદ-બે સુપરમાર્કેટમાં નહીં, પરંતુ ફ્રાન્સનાં અનેક શહેરોમાં બન્યું હતું.
યુરોપના બીજા સાત દેશોમાં ફ્રાન્સ જેવી જ સ્થિતિ સર્જાઈ. આ સાત દેશો છે બેલ્જિયમ, લક્ઝમબર્ગ, સ્વીડન, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, એસ્ટોનિયા અને ફિનલેન્ડ. હેકર્સે આ દેશોના સુપરમાર્કેટનાં ફ્રિજર્સને ઓવન બનાવી દીધા. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ બધું આખરે કેવી રીતે શક્ય બન્યું? આ ખેલ સમજવા માટે ફ્રિજરની સિસ્ટમ સમજવી પડે. સુપરમાર્કેટના ફ્રિજરમાં લાંબા સમય સુધી ઠંડક રહેતી હોય છે. જેના લીધે અંદર બરફ જામી જતો હોય છે. આ બરફને ઓગાળવા માટે થોડા થોડા સમયે તાપમાન વધારવામાં આવે છે. એક વખત બરફ પીગળી જાય એટલે ફ્રિજર ફરી ઠંડક આપવાનું શરૂ કરી દે છે. આ આખી સિસ્ટમ સોફ્ટવેર દ્વારા કન્ટ્રોલ થાય છે. યુરોપની કેટલીક કંપનીઓ આ ટેક્નોલોજી આપે છે. હેકર્સ આ કંપનીઓની સિસ્ટમને જ હેક કરી રહ્યા છે. હેક કરીને તેઓ એવો કમાન્ડ આપે છે કે, બરફ પીગળી ગયા પછી પણ તાપમાન તો વધતું જ રહે છે. જેના લીધે ફ્રિજરમાં રહેલો ખોરાક બગડી જાય. જેને ફેંકવો જ પડે છે.
અનેક ફ્રિજરનું તાપમાન 50 ડિગ્રી સેલ્શિયસ પર પહોંચી ગયું હતું. જે વસ્તુઓને ઠંડકમાં રાખવાની હોય એ જ વસ્તુઓ 50 ડિગ્રી તાપમાનમાં રહે તો સ્વાભાવિક રીતે એ બગડી જાય. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ફ્રાન્સની ઘટના પછી તો ફ્રિજર્સ બનાવતી કંપનીઓને આવા સાઇબર હુમલા વિશે ખ્યાલ હતો જ. તેમણે ફ્રિજર્સની સુરક્ષા માટે પ્રયાસો પણ શરૂ કર્યા હતા. જોકે, આ ખામી માત્ર સોફ્ટવેરમાં ફેરફાર કરીને દૂર થઈ શકે એવી નહોતી. એના માટે ફ્રિજર્સમાં પણ કેટલાક ફેરફાર કરવા પડે. આ ફેરફારો ન કરવામાં આવ્યા.
આ હુમલાની સૌથી મોટી કિંમત વેપારીઓએ ચૂકવવી પડી છે. કારણ કે ફ્રિજર બગડે તો માત્ર મશીન બગડતું નથી. એની અંદર રહેલો હજારો યુરોનો ખોરાક પણ બરબાદ થઈ જાય છે. આ ઘટનાઓથી ખ્યાલ આવે છે કે, કોઈ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે હંમેશાં એનાં મોટાં કારખાનાં કે બેન્કો પર જ હુમલો કરવાની જરૂર નથી.
આ તપાસ હવે યુરોપની બહાર પણ પહોંચી છે. હજી પાંચ દિવસ પહેલાં જ અમેરિકામાંથી પણ આવા જ સમાચાર આવ્યા હતા. આખા અમેરિકામાં રહેલા મિલિટરી બેઝની રેફ્રિજરેશન સિસ્ટમની સાથે હેકર્સે છેડછાડ કરી હતી. આ સાઇબર હુમલો ઓગસ્ટમાં કરાયો હતો. જેના લીધે ખાવાપીવાની વસ્તુઓનો બગાડ થયો હતો. અમેરિકાના અધિકારીઓ આ ઘટનાઓની તપાસ કરી રહ્યા છે. સાથે જ તેઓ ફ્રાન્સના અધિકારીઓ સાથે મળીને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આ તમામ ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે?આવી ઘટનાઓ માટે સ્વાભાવિક રીતે રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા પ્રત્યે શંકા કરવામાં આવી રહી છે. જોકે, હવે ડર એ છે કે, હવે આ સાઇબર હુમલાખોરો હવે બેંકો, હોસ્પિટલો, વીમા કંપનીઓ અને શેરબજારોને પણ ટાર્ગેટ કરી શકે છે. ફ્રિજર્સનું તાપમાન વધી ગયું તો ખાવાપીવાની વસ્તુઓ ફેંકવી પડી, પરંતુ જો સાઇબર હુમલાખોરો બેંકોને ટાર્ગેટ કરે તો અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. દુનિયાના અનેક દેશોમાં અત્યારે આવો જ ડર ફેલાયો છે.
આવા ડરના લીધે જ અત્યારે દુનિયાના 33 દેશોમાં અત્યારે એક અલગ જ પ્રકારની તૈયારી ચાલી રહી છે. આ દેશોની સરકારો પોતાના નાગરિકોને કહી રહી છે કે, ઘરમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ચાલે એટલો ખોરાક, પાણી અને બીજી જરૂરી વસ્તુઓનો સ્ટોક રાખો. આ દેશોમાં યુરોપના 17 દેશો ઉપરાંત અમેરિકા, કેનેડા, મેક્સિકો, દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો, જાપાન, તાઇવાન, ભારત, ફિલિપાઇન્સ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. સવાલ એ થાય છે કે, આખરે દુનિયાના આટલા બધા દેશોને પોતાના નાગરિકોને આવી સલાહ આપવાની જરૂર કેમ પડી રહી છે? મોટાભાગના દેશો પોતાના નાગરિકોને ઓછામાં ઓછા 72 કલાક એટલે કે 3 દિવસ ચાલે એટલી જીવનજરૂરી વસ્તુઓ ઘરમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. જેમાં પીવાનું પાણી, લાંબા સમય સુધી બગડે નહીં એવો ખોરાક, દવાઓ, ટોર્ચ, રેડિયો, પાવર બેંક અને રોકડ રકમનો સમાવેશ થાય છે. જોકે, દરેક દેશની સલાહ અલગ અલગ છે.
હવે સવાલ એ થાય કે, આખરે આ દેશોને કઈ બાબતનો ડર સતાવી રહ્યો છે? એની પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો છે. સૌથી મોટો ખતરો સાઇબર હુમલાનો છે. એ ઉપરાંત વાવાઝોડું, પૂર અને જંગલોમાં લાગતી આગ જેવી કુદરતી આફતોનો ખતરો પણ વધી રહ્યો છે. જાપાન જેવા દેશો માટે ભૂકંપ અને બીજી કુદરતી આફતોનો ખતરો હંમેશાં ચિંતાનો વિષય રહ્યો છે. એ ઉપરાંત યુદ્ધોનો પણ ભય વધ્યો છે.
હવે, દુનિયાના અનેક દેશો સમજી ચૂક્યા છે કે, સીધી રીતે યુદ્ધો લડવાનો કોઈ અર્થ નથી. કેમ કે, એવા યુદ્ધો ખેંચાયા જ કરે છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ એનું ઉદાહરણ છે. વળી, સીધો હુમલો કરવામાં આવે તો પ્રતિબંધો પણ લાગી શકે છે. એટલા માટે જ અનેક દેશો અત્યારે છુપા હુમલા કરી રહ્યા છે. સાઇબર હુમલો એનો જ એક પ્રકાર છે. ભારતે પણ આવા છૂપા યુદ્ધો માટે હવે તૈયારીઓ વધારી દેવી પડશે.
