અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ ગામની સીમમાં એક હચમચાવી નાખે તેવી ડબલ મર્ડરની ઘટના બની છે. 2 નવેમ્બરની (Amreli Double Murder)મોડી રાત્રે વાડીમાં પાર્ક કરેલી એક ‘તૂફાન’ પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી દેતા, અંદર ગાઢ નિંદ્રામાં સૂતેલા એક સગીર અને એક યુવક જીવતા ભૂંજાઈ ગયા હતા.આ ક્રૂર હત્યાકાંડ પાછળ રૂપિયા 60 હજારની લેતીદેતી અને ગાડીના કબજાનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે.
મૃતકોની ઓળખ અને રાતનો ઘટનાક્રમ
લીલીયા પોલીસ અને FSLની ટીમે સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ કરતા બંને મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની 16 વર્ષીય રવિ કમલેશભાઈ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસિંગ પચાયા તરીકે થઈ છે.
મૃતક રવિના પિતા કમલેશભાઈ બધેલના જણાવ્યા અનુસાર, રાત્રે 11 વાગ્યા સુધી તેઓ જાગતા હતા અને ત્યારબાદ સૂઈ ગયા હતા. તેમનો પુત્ર રવિ અને સંબંધી નીતિન બહાર પાર્ક કરેલી તૂફાન ગાડીમાં સૂવા ગયા હતા. રાત્રે અંદાજે 12:30 વાગ્યાની આસપાસ એક ભયાનક ધડાકો સાંભળીને તેઓ જાગી ગયા, ત્યારે તેમણે જોયું કે ગાડી ભડભડ સળગી રહી હતી અને અંદર સૂતેલા બંને યુવાનો આગની લપેટમાં આવી ગયા હતા. વાડીના માલિકના સંબંધીઓને પણ મોડી રાત્રે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ પરિવાર છેલ્લા ચાર મહિનાથી અહીં ભાગિયા તરીકે કામ કરતો હતો.
હત્યાનું કારણ: ગાડીનો કબજો અને 60 હજારની ઉઘરાણી
DYSP વિસ્મય માનસેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ ગાડી અને પૈસાની લેવડદેવડ છે. આરોપી વિનોદ વરસીંગભાઈ ડોડીયાર (રહે. મધ્યપ્રદેશ) એ રીતેશસિંહ નામના વ્યક્તિ પાસેથી હપ્તેથી આ તૂફાન ગાડી ખરીદી હતી. જોકે, વિનોદ સમયસર હપ્તા નહોતો ભરી રહ્યો અને ગાડીના પેટે ₹60,000 ચૂકવવાના બાકી હતા.
આથી, રીતેશસિંહે તેના મિત્ર કમલેશભાઈ (મૃતક રવિના પિતા) ને ગાડીનો કબજો લેવા કહ્યું હતું. દસેક દિવસ પહેલાં જ કમલેશભાઈએ આ ગાડી પોતાની પાસે રાખી લીધી હતી. પોતાની ગાડી છીનવાઈ જવાનો ખાર રાખીને આરોપી વિનોદે આ ભયાનક બદલો લીધો હતો.
પોલીસ કાર્યવાહી: બે આરોપીઓ સકંજામાં
ગાડીનો કબજો ગુમાવવાની અદાવતમાં મુખ્ય આરોપી વિનોદ ડોડીયાર અને તેના પિતરાઈ ભાઈ રાજુ ગોરધનભાઈ ડોડીયારે મળીને મોડી રાત્રે આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. લીલીયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા છે. હાલ પોલીસ દ્વારા નાણાકીય વ્યવહાર અને ગાડી ગીરો રાખવાના વિવાદની દિશામાં તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી વધુ સઘન બનાવશે.
