ગુજરાત ATSની મોટી કાર્યવાહી: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ, તુર્કીથી ડિપોર્ટ કરાવી ભારત લવાયો

Spread the love

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની તપાસમાં મોટી સફળતા મળી છે. વડોદરાના સિંધરોટમાં કરોડો રૂપિયાના MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જેના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી તુર્કીથી ડિપોર્ટ થયા બાદ એજન્સી મારફતે ગુજરાત ATSના હવાલે કરવામાં આવ્યો છે.સલીમ ડોલા સામે આ કેસમાં રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા તેની ધરપકડ બાદ હવે ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને આર્થિક વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

સિંધરોટ ડ્રગ્સ ફેક્ટરીનો માસ્ટરમાઇન્ડ હતો સલીમ ડોલા

 

વડોદરાના સિંધરોટ ખાતે 1 ડિસેમ્બર, 2022ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. ફેક્ટરીમાંથી 87.728 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 437 કરોડ આંકવામાં આવી હતી.

 

આ કેસમાં શરૂઆતમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં છે. તપાસ દરમિયાન સલીમ ઇસ્માઇલ ડોલાનું નામ સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, સિંધરોટમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીના સમગ્ર નેટવર્ક પાછળ સલીમ ડોલાની મુખ્ય ભૂમિકા હતી. તે ફેક્ટરીને ફાઇનાન્સ અને કેમિકલ પ્રોડક્ટ્સ પૂરી પાડવામાં પણ સંકળાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 

મુંબઈથી દુબઈ, કેન્યા થઈ તુર્કી પહોંચ્યો હતો

 

તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સલીમ ડોલા મુંબઈથી ભાગીને દુબઈ પહોંચ્યો હતો. ત્યારબાદ તે કેન્યા અને ત્યાંથી તુર્કી ગયો હતો. વિદેશમાં રહીને તે તપાસ એજન્સીઓથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર થયા બાદ તેને તુર્કીથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને હવે ગુજરાત ATSએ તેની ધરપકડ કરી છે.

 

દેશભરમાં અનેક નાર્કોટિક્સ કેસ નોંધાયેલા

 

સલીમ ઇસ્માઇલ ડોલા સામે દેશના વિવિધ વિસ્તારોમાં અગાઉથી આશરે 8 જેટલા નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેની સામે 10થી વધુ ગુનાઓ નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 

ડ્રગ્સનું નેટવર્ક કોના સુધી પહોંચતું હતું તેની તપાસ

 

ગુજરાત ATS હવે સલીમ ડોલાની પૂછપરછ કરીને સિંધરોટની ફેક્ટરીમાં તૈયાર થતું MD ડ્રગ્સ કોને સપ્લાય કરવામાં આવતું હતું, તેના નાણાં ક્યાંથી આવતા હતા અને કેમિકલ પ્રોડક્ટ્સ કોણ પૂરાં પાડતું હતું તે દિશામાં તપાસ કરી રહી છે.

 

આ ઉપરાંત ભારતમાં અને વિદેશમાં સલીમ ડોલાનું ડ્રગ્સ નેટવર્ક કેટલું વિસ્તરેલું હતું, તેની સાથે અન્ય કયા ડ્રગ્સ માફિયાઓ જોડાયેલા હતા અને કરોડો રૂપિયાના ડ્રગ્સના કારોબારમાં કોની સંડોવણી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સલીમ ડોલાની ધરપકડથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *