દિવાળી પહેલાં જ મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે. તહેવારોની ખરીદી વચ્ચે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ મોંઘી થતાં હવે તહેવારની ખરીદી માટે ગ્રાહકોએ વધુ નાણાં ખર્ચવા પડશે.
અમૂલ દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.આ ભાવ વધારા બાદ અમૂલના એક કિલો ઘી માટે ગ્રાહકોએ હવે 680 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અમૂલ પ્યોર ઘીના 500 ગ્રામના પાઉચમાં પણ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર ઘી જ નહીં, અમૂલ દ્વારા બટરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બટરના 100 ગ્રામના પેકેટમાં 3 રૂપિયાનો અને 500 ગ્રામના પેકેટમાં 15 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે.
દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ, ફરસાણ અને અન્ય વાનગીઓ બનાવવા માટે ઘી અને બટરનો વપરાશ વધતો હોય છે. તેવામાં તહેવાર પહેલાં જ ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચ પર વધારાનું ભારણ પડશે. એક તરફ તહેવારની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. આમ દિવાળી પહેલાં અમૂલના ઘી અને બટરના ભાવવધારાએ સામાન્ય ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે.
જોકે, સપ્ટેમ્બર 2025માં GST દરોમાં ઘટાડા પછી અમૂલે તેના લગભગ 700 ડેરી ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા હતા. ત્યારબાદ કંપનીએ 1 લિટર ઘીના પેકની કિંમત ₹650થી ઘટાડીને ₹610 અને 5 લિટર ટીનની કિંમત ₹3,275થી ઘટાડીને ₹3,075 કરી હતી. તેવી જ રીતે 100 ગ્રામ માખણના પેકની કિંમત ₹62 થી ઘટાડીને ₹58 અને 500 ગ્રામ પેકની કિંમત ₹305થી ઘટાડીને ₹285 કરવામાં આવી હતી.
ધ ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, અમૂલના ઓનલાઇન પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના ઘીના ભાવ પણ જોવા મળ્યા છે. ગાયનું ઘી ₹740 પ્રતિ લિટર, સાગર ઘી ₹710, શુદ્ધ, પ્યોર ઘી ₹700 અને ભેંસનું ઘી ₹720 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. જોકે, ઓનલાઈન પ્લેટફોર્મ પર શુદ્ધ ઘી, ભેંસનું ઘી અને કોમ્બો પેક જેવા કેટલીક વેરાયટી આઉટ ઓફ સ્ટોક છે. જે સીઝન દરમિયાન પુરવઠાના દબાણનો સંકેત આપે છે.
