અમેરિકાની સંસદના બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીના વર્ચસ્વથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. મધ્યસત્ર ચૂંટણીના પરિણામો(US Midterm Elections) બાદ ટ્રમ્પને પોતાના એજન્ડા અને નીતિઓને આગળ ધપાવવામાં કોંગ્રેસના કડક વિરોધનો સામનો કરવો પડી શકે છે. આ રાજકીય ઉથલપાથલની સીધી અસર ભારત અને પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધો પર પણ પડવાની પૂરી સંભાવના છે.જાન્યુઆરી 2029 સુધી પ્રમુખપદે રહેનારા ટ્રમ્પના નિર્ણયો અને વિદેશ નીતિ સામે હવે ડેમોક્રેટ્સ વધુ સવાલો ઉઠાવશે. એટલું જ નહીં, ડેમોક્રેટિક નેતાઓ ટ્રમ્પની વિદેશ નીતિની સાથે-સાથે તેમના પરિવારના વ્યવસાયિક હિતોની તપાસ કરવાના પણ સંકેતો આપી ચૂક્યા છે.
ભારત માટે વેપાર કરારની વાટાઘાટમાં નવી તકો
અમેરિકી કોંગ્રેસમાં બદલાયેલા રાજકીય સમીકરણોની ભારત પર સૌથી સકારાત્મક અસર વેપાર કરાર ની વાટાઘાટમાં જોવા મળી શકે છે.
પોતાની રાજકીય છબી મજબૂત કરવા માટે ટ્રમ્પને વિદેશ નીતિમાં કોઈ મોટી સફળતા મેળવવી આવશ્યક બનશે, જેના કારણે ભારત સાથે ઝડપથી વેપાર કરાર કરવો તેમના પ્રાથમિક એજન્ડામાં આવી શકે છે.
ભારત પણ આ સ્થિતિનો લાભ લઈને પોતાના હિતમાં વધુ સારી શરતો મેળવી શકે છે. ભારત લાંબા સમયથી ચીન અને વિયેતનામ જેવા સ્પર્ધક દેશોની સરખામણીમાં વધુ અનુકૂળ ટેરિફ શરતોની માગ કરી રહ્યું છે.
જોકે, અમેરિકી વહીવટીતંત્ર દ્વારા ‘ટ્રેડ એક્ટની કલમ 301’ હેઠળ શરૂ કરાયેલી તપાસ હજુ પણ વેપાર કરારમાં એક મોટો અવરોધ બની રહી છે.
H-1B વિઝા અને ભારતીય ટેક પ્રોફેશનલ્સ
ભારતીયો માટે બીજો સૌથી મોટો ચિંતાનો વિષય H-1B વિઝા ની નીતિઓનો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે કુશળ વિદેશી કર્મચારીઓ પર કડક નિયંત્રણો લાદીને H-1B વિઝા માટે એક લાખ અમેરિકી ડૉલરની ઊંચી ફી લાગુ કરી છે. ઉપરાંત, કર્મચારીઓની છટણી કરતી કંપનીઓની વિઝા અરજીઓની વધુ તપાસ કરવાના નિર્દેશો આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે H-1B વિઝા મેળવનારાઓમાં આશરે ૭૫% (દર ચારમાંથી ત્રણ) નાગરિકો ભારતીય હોય છે.
કોંગ્રેસમાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ વધવાથી આ નિયંત્રણોની અમેરિકી અર્થતંત્ર અને ટેક ઇન્ડસ્ટ્રી પર પડતી અસરોની ઊંડી તપાસ થઈ શકે છે. જોકે, ભારતીય પ્રોફેશનલ્સને તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે, પરંતુ લાંબા ગાળે સ્થિતિ સુધરી શકે છે.
માનવાધિકાર અને ટેરિફ નીતિના પડકારો
અમેરિકામાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ ભારત માટે દરેક મોરચે ફાયદાકારક સાબિત થાય તેવું નથી.
ડેમોક્રેટિક નેતાઓ અગાઉ પણ ભારતના માનવાધિકાર રેકોર્ડ, ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી સમુદાયોની સ્થિતિ અંગે સવાલો ઉઠાવતા રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં ભારતે વધુ કડક પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસના દબાણ છતાં ટ્રમ્પ પોતાની કાર્યકારી સત્તાનો ઉપયોગ કરીને ટેરિફ લાદવાનું ચાલુ રાખી શકે છે.
પાકિસ્તાન અને ટ્રમ્પ પરિવારના વ્યવસાયિક સોદાઓની તપાસનું જોખમ
અમેરિકાના બદલાયેલા રાજકીય સમીકરણોની પાકિસ્તાન પર તદ્દન અલગ અને નકારાત્મક અસર પડી શકે છે.
છેલ્લા દોઢ વર્ષમાં પાકિસ્તાને ટ્રમ્પ અને તેમના નજીકના વર્તુળ સાથે સંબંધો ગાઢ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
પાકિસ્તાને ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો બિઝનેસ (‘વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ’) સાથે MoU કર્યા હતા, જેમાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ પણ સામેલ છે. આ ઉપરાંત, ટ્રમ્પના પુત્રો સાથે જોડાયેલી કંપની પાસેથી ડ્રોન ખરીદવાનો સોદો પણ કર્યો હતો.
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર (જેમને ટ્રમ્પ ‘મનપસંદ ફિલ્ડ માર્શલ’ કહી ચૂક્યા છે) આ સંબંધો વિકસાવવામાં મોખરે રહ્યા છે. પાકિસ્તાને યુએસ સ્ટ્રેટેજિક મેટલ્સ સાથે $500 મિલિયનનો ખનિજ વિકાસ કરાર અને ન્યૂયોર્કની રૂઝવેલ્ટ હોટેલના નવીનીકરણનો સોદો પણ કર્યો છે.
હવે ડેમોક્રેટ્સ દ્વારા ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો બિઝનેસ અને શેર ટ્રેડિંગની તપાસ શરૂ થતાં, પાકિસ્તાન સાથેના આ તમામ સોદાઓ પણ તપાસના ઘેરામાં આવી શકે છે, જેનાથી પાકિસ્તાની લશ્કરી નેતૃત્વની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકામાં સત્તાનું બદલાયેલું સમીકરણ ભારત માટે વેપાર કરાર અને વિઝા બાબતે વાટાઘાટની નવી તકો ઊભી કરે છે, જ્યારે માનવાધિકાર જેવા મુદ્દે પડકારો યથાવત્ રાખે છે. બીજી બાજુ, પાકિસ્તાન માટે આ રાજકીય પરિવર્તન ટ્રમ્પ પરિવાર સાથેના શંકાસ્પદ વ્યવસાયિક સોદાઓની કડક તપાસનું મોટું જોખમ લઈને આવ્યું છે.
