Diwali 2026: દિવાળી ટાણે ફટાકડા બજાર ફીકી.. ગ્રાહકોને મોંઘવારી નડી કે..? ભાવમાં 20થી 30%નો વધારો, વેપારીઓ પણ નિરાશ

Spread the love

દિવાળીના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને ચારેય તરફ દિવાળી પર્વને લઇ ખરીદીઓ કરવામાં આવી રહી છે, જોકે, દિવાળી ટાણે ફટાકડા બજારમાં ખરીદી માહોલ બરોબરનો જોવા મળી રહ્યો નથી. દર વર્ષે દિવાળીના આગલા દિવસોમાં ફટાકડાની દુકાનો અને હોલસેલ બજારોમાં ગ્રાહકોની ભારે પડાપડી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જ છે. બજારમાં ગ્રાહકોની પાંખી ભીડ જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે.આ વર્ષે ફટાકડા બજારમાં મંદી છવા પાછળનું મુખ્ય કારણ ભાવમાં થયેલો તોતિંગ વધારો માનવામાં આવે છે. કાચા માલની કિંમતો, ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં 20થી 30 ટકા સુધીનો મોટો વધારો થયો છે. મોંઘવારી વચ્ચે બજેટ સાચવતા મધ્યમ વર્ગના ગ્રાહકો માટે ફટાકડા ખરીદવા મોંઘા સાબિત થઈ રહ્યા છે. પરિણામે, લોકોએ ખરીદીનું પ્રમાણ ઘટાડી દીધું છે અથવા તો પરંપરાગત ફટાકડાને બદલે માત્ર ફૂલઝર અને તારામંડળ સુધી જ પોતાની મર્યાદા રાખી છે.

 

ગ્રાહકોની પાંખી ઉપસ્થિતિને કારણે ફટાકડાના વેપારીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. તહેવારની સિઝનમાં જ્યાં વેપારીઓ સારો નફો કમાવાની આશા રાખતા હતા, ત્યાં વેપાર મંદ પડતા તેઓ ચિંતિત છે. તેમ છતાં, સુરક્ષાને પ્રાથમિકતા આપતા વેપારીઓએ આ વર્ષે ખાસ તકેદારી રાખી છે. સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરતા તમામ અગ્રણી વેપારીઓએ પોતાની દુકાનો અને સ્ટોલ પર ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યા છે, જેથી કોઈ પણ મોટી દુર્ઘટનાથી બચી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *