અમદાવાદમાં ધારાસભ્યના નામે અધિકારી પર દબાણ લાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહની ખોટી ઓળખ આપી એક શખ્સે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગાંધીનગરના આસિસ્ટન્ટ કમિશનર એસ.એન. ગઢવીને ફોન કર્યો હતો. ફોન કરનારે પોતે ધારાસભ્ય અમિત શાહ હોવાનું જણાવી અમદાવાદના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પાર્થ પટેલને પલ્સ હેલ્થકેરનું લાયસન્સ મંજૂર કરવા અંગે ફોન કર્યો હોવાનું કહ્યું હતું.આ સાથે જ અધિકારી પર લાયસન્સ મંજૂર કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરતાં ફોન કરનાર વ્યક્તિની ઓળખ વિનય કોઠાર તરીકે થઈ હતી. ફોન પર તેણે આસિસ્ટન્ટ કમિશનર એસ.એન. ગઢવીને પોતાના ઉપરી અધિકારી સાથે વાત કરાવવાનું પણ કહ્યું હતું. જોકે, ફોન અંગે ધારાસભ્ય અમિત શાહને પૂછપરછ કરવામાં આવતાં તેમણે આવો કોઈ ફોન કર્યો ન હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વાસણા પોલીસે તપાસ દરમિયાન વિનય કોઠાર અને રજનીક પરડવા નામના બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રજનીક પરડવા લાયઝનિંગનું કામ કરે છે અને પીજી પણ ચલાવે છે. તે જ પીજીમાં રહેતા વિનય કોઠાર પાસે રજનીકે ધારાસભ્ય અમિત શાહની ખોટી ઓળખ આપી અધિકારીને ફોન કરાવ્યો હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસ તપાસ મુજબ, રજનીક પરડવાએ વિનય કોઠારને અમિત શાહ બનીને અધિકારીને ફોન કરવા અને લાયસન્સ મંજૂર કરાવવા દબાણ કરવા કહ્યું હતું. આ રીતે ધારાસભ્યના નામનો ઉપયોગ કરીને સરકારી અધિકારી પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ વાસણા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
