મિડલ ઈસ્ટમાં ફરી એક વાર મહાયુદ્ધની તૈયારી થઈ રહી છે. એક તરફ ઈરાન પોતાના પરમાણુ ઠેકાણા પાસે રહેતા નાગરિકોને એન્ટી-રેડિએશન આયોડિનની ગોળીઓ વહેંચી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાએ આખા મિડિલ ઈસ્ટમાં રહેતા પોતાના નાગરિકો માટે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવી રહેલા આક્રમક નિવેદનો અને પેંટાગનની સૈન્ય તૈયારીઓએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ખાડી વિસ્તારમાં કોઈ પણ સમયે કોઈ મોટો બ્લાસ્ટ થઈ શકે છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી બગડશે સંબંધો?
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે પરમાણુ પ્લાન્ટ્સથી 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને પ્રિવેન્ટિવ મેડિસિન એટલે કે આયોડિનની ગોળીઓ આપવામાં આવી રહી છે. જ્યારે ઈરાની અધિકારીને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાના હુમલાના ડરથી આ પગલું લેવામાં આવી રહ્યું છે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર જરાય ભરોસો કરી શકાય તેમ નથી અને તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.
9 નવેમ્બરની રાત્રે શું થશે? ટ્રમ્પે કહ્યું- ‘ટૂંક સમયમાં બધું જાણવા મળશે’
ઈરાનના આ ભય પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી છે. અહેવાલો અનુસાર, વોશિંગ્ટન ઈરાનના સૌથી સુરક્ષિત અને મજબૂત ગણાતા ‘પિકએક્સ માઉન્ટેન’ ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવવાનો ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
– વ્હાઇટ હાઉસમાં હાઈ-લેવલ બેઠક: ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નેશનલ સિક્યોરિટી ટીમ સાથે વ્હાઇટ હાઉસમાં સતત બે દિવસ (બુધવાર અને ગુરુવાર) સુધી લાંબી બેઠકો કરી હતી. આ બેઠકોનો મુખ્ય એજન્ડા ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરવી કે નહીં તે હતો.
– ટ્રમ્પની સીધી ચેતવણી: ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લેશે. ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, ‘હું દેશના બાકીના ભાગને બરબાદ કરવા માગતો નથી, પરંતુ કદાચ મારે એવું કરવું પડી શકે છે. તમને ટૂંક સમયમાં બધું જાણવા મળી જશે.’
– 9 નવેમ્બરની કાળી રાત અને સૈન્ય ગણતરી: ફોક્સ ન્યૂઝે પોતાના અહેવાલમાં એક રસપ્રદ અને ડરામણી ગણતરી સમજાવી છે. 9 નવેમ્બરે મધ્ય પૂર્વના આકાશમાં અમાસ હશે, જેના કારણે રાત્રે ચંદ્રપ્રકાશ લગભગ નહીંવત્ હશે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકી સેના આવા અંધકારનો ફાયદો ઉઠાવીને મોટાપાયે હવાઈ કાર્યવાહી કરી શકે છે.
રેડિયેશનથી બચવાની ગોળીઓનું ગણિત: આખરે ઈરાન શા માટે વહેંચી રહ્યું છે આયોડિનની ગોળીઓ?
ઈરાન દ્વારા આયોડિનની ગોળીઓનું વિતરણ એ વાતનો સંકેત છે કે તેહરાન હવે કોઈપણ પરમાણુ કટોકટી અથવા પોતાના પરમાણુ પ્લાન્ટ પર અમેરિકાના હુમલાની સ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થઈ રહ્યું છે.
આયોડિનની ગોળીઓ કેવી રીતે કામ કરે છે?
કોઈપણ પરમાણુ હુમલા અથવા રેડિયેશન લીકેજની સ્થિતિમાં હવામાં ખતરનાક રેડિયોએક્ટિવ આયોડિન ફેલાઈ શકે છે. આ ગોળીઓ માનવ શરીરની થાઇરોઇડ ગ્રંથિને રેડિયોએક્ટિવ આયોડિન શોષી લેતી અટકાવે છે. તેનાથી કેન્સર અને રેડિયેશનને કારણે થતી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.
ગંભીર સ્થિતિનો સંકેત
સામાન્ય રીતે આ પ્રકારની દવાઓ યુદ્ધની અત્યંત ગંભીર પરિસ્થિતિમાં જ વહેંચવામાં આવે છે. 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં દવાઓનું વિતરણ કરીને ઈરાન પોતાના નાગરિકોને સંભવિત રેડિયેશનના જોખમથી બચાવવાની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી, ગલ્ફ દેશોમાં ફ્લાઇટ્સ રદ થવાનો ખતરો
ઈરાનની તૈયારીઓ વચ્ચે અમેરિકા પણ ચૂપચાપ બેઠું નથી. યુનાઇટેડ સ્ટેટ્સ મિશન (UAE)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં સમગ્ર મધ્ય પૂર્વમાં રહેતા અમેરિકન નાગરિકોને અત્યંત સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
– હૂતી અને ઈરાની હુમલાનો ભય: અમેરિકાને ડર છે કે ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો અને ઈરાની એજન્સીઓ આ વિસ્તારમાં હાજર અમેરિકી સરકારી અધિકારીઓ અને નાગરિકોને નિશાન બનાવી શકે છે.
– ટ્રાવેલ એલર્ટ અને એરસ્પેસ બંધ થવાની આશંકા: અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે વધતા તણાવને કારણે ફ્લાઇટ્સ રદ થઈ શકે છે, એરસ્પેસ બંધ કરવામાં આવી શકે છે અને સમગ્ર વિસ્તારમાં અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે.
– સેન્ટકોમની તૈયારીઓ પૂર્ણ: અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે ઈરાન વિરુદ્ધ મોટા પાયે સૈન્ય અભિયાન શરૂ કરવાની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. હવે માત્ર વોશિંગ્ટન તરફથી સત્તાવાર મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
ઇરાકે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ‘અમારી જમીનનો ઉપયોગ હુમલા માટે ન થાય’
ખાડી વિસ્તારમાં ઘેરા બની રહેલા આ સંકટે પાડોશી દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. ઇરાકને ડર છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં તેની જમીનનો ઉપયોગ થઈ શકે છે.
ઇરાકના વડાપ્રધાન અલી ફલીહ અલ-ઝૈદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇરાકની સાર્વભૌમત્વનું સન્માન થવું જોઈએ.
ઇરાકના વડાપ્રધાન કાર્યાલયે X પર સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ઇરાકની ધરતીનો ઉપયોગ કોઈપણ પાડોશી દેશ વિરુદ્ધ હુમલા માટે લોન્ચપેડ તરીકે થવા દેવામાં આવશે નહીં.
શું ગલ્ફમાં ફાટી નીકળશે મહાયુદ્ધ?
ઈરાન દ્વારા એન્ટી-રેડિયેશન ગોળીઓનું વિતરણ, અમેરિકા દ્વારા પોતાના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ અને પેન્ટાગોનની યુદ્ધસ્તરની તૈયારીઓ- આ તમામ સંકેતો દર્શાવે છે કે ગલ્ફ વિસ્તારમાં કંઈક મોટું અને ભયાનક બની શકે છે.
એક તરફ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમ માટે ખતમ કરવા મક્કમ છે, તો બીજી તરફ ઈરાન પણ કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે.
જો 9 નવેમ્બરે અથવા આગામી દિવસોમાં અમેરિકા ‘પિકએક્સ માઉન્ટેન’ પર હુમલો કરે છે, તો આ માત્ર બે દેશો વચ્ચેનું યુદ્ધ નહીં રહે, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વ તેની આગમાં ઝુલસી શકે છે. હાલમાં આખી દુનિયાની નજર વોશિંગ્ટન અને તેહરાનનાં આગામી પગલાં પર ટકેલી છે.