10 હજાર દીવડાઓના ઝળહળાટથી જગમગશે અક્ષરધામ! 8 નવેમ્બરથી દીપોત્સવનો ભવ્ય પ્રારંભ, મહાભારતની થીમ પર બનશે વિશાળ રંગોળી!

Spread the love

દિવાળીના પર્વને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ભવ્ય રોશનીના સંગમ સાથે ઉજવવા માટે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામમાં ‘પ્રકાશનું પર્વ દીપાવલી’નું આયોજન કરવામાં આવ્યું છે. 8 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન યોજાનારા આ દીપોત્સવમાં મંદિર પરિસર 10 હજાર દીવડાઓના ઝળહળતા પ્રકાશથી શણગારવામાં આવશે. આ ઉપરાંત વિશાળ ઉપવનોને ગ્લો ગાર્ડન તરીકે સજાવવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર પરિસરમાં ઇલેક્ટ્રોનિક રોશનીનાં સુંદર તોરણો આ વર્ષની નવી વિશેષતા બની રહેશે.

 

અક્ષરધામના સ્વયંસેવક ડો. જયેશ માંડણકાના જણાવ્યા અનુસાર, ભારતીય સંસ્કૃતિમાં દિવાળી સૌથી મોટા અને મહત્ત્વના તહેવારોમાંનો એક છે.

 

લોકો આખું વર્ષ આ પર્વની રાહ જોતા હોય છે. ત્યારે દિવાળીની ઉજવણી માટે સ્વામિનારાયણ અક્ષરધામ એક વિશિષ્ટ સ્થળ બની રહ્યું છે. છેલ્લા 34 વર્ષથી અક્ષરધામમાં દીપોત્સવની પરંપરા જળવાઈ રહી છે.

 

દર વર્ષે 10 હજાર દીવડાઓના શણગાર સાથે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં આવીને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરે છે.

મહાભારતના સંદેશ સાથે વિશાળ રંગોળી તૈયાર કરાશે દીપોત્સવ દરમિયાન અક્ષરધામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન સમક્ષ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવશે. આ વર્ષે રંગોળી દ્વારા મહાભારતનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપવામાં આવશે. ‘મહાજનો યેન ગતઃ સ પંથાઃ’ એટલે કે મહાપુરુષો જે માર્ગે ચાલ્યા હોય તે જ માર્ગ શ્રેષ્ઠ છે, તે વિચારને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આધુનિક માનવી પોતાના જીવનને યોગ્ય દિશા આપવા માટે શાસ્ત્રો અને મહાપુરુષોના જીવનમાંથી માર્ગદર્શન મેળવી શકે છે. મહાપુરુષોએ ચીંધેલા માર્ગે ચાલવાથી જીવનમાં શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકે છે, તેવો સંદેશ રંગોળી દ્વારા આપવામાં આવશે.

49 ફૂટની નીલકંઠવર્ણીની પ્રતિમા દીવડાઓથી ઝળહળશે

 

અક્ષરધામ પરિસરમાં આવેલી ભગવાન નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા પણ દીપોત્સવનું વિશેષ આકર્ષણ રહેશે. ભગવાન સ્વામિનારાયણે માત્ર 11 વર્ષની કુમળી વયે ગૃહત્યાગ કરીને સમગ્ર ભારતનું તીર્થાટન કર્યું હતું અને હિમાલયમાં કઠિન તપશ્ચર્યા કરી હતી. સમગ્ર સૃષ્ટિના તમામ જીવો સુખી થાય તેવી પ્રાર્થના અને કલ્યાણની ભાવના સાથે તેમણે આ યાત્રા કરી હતી. ભગવાનની આ ઉદારતા અને સર્વજીવ કલ્યાણના સંદેશને ઉજાગર કરતી પ્રતિમા સમક્ષ દીવડાઓનો સુંદર શણગાર કરવામાં આવશે.

 

9 નવેમ્બરે પણ તમામ પ્રદર્શન ખંડો અને વોટર શો ખુલ્લા રહેશે

 

દીપોત્સવનો લાભ લેવા માટે 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દરરોજ સાંજે 5થી રાત્રે 9:45 વાગ્યા સુધી મુલાકાતીઓ અક્ષરધામ આવી શકશે. ખાસ વાત એ છે કે સોમવાર, 9 નવેમ્બરના રોજ પણ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો મુલાકાતીઓ માટે ખુલ્લાં રહેશે. 15 નવેમ્બર સુધી દીવડાઓનો આ ભવ્ય શણગાર નિહાળી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *