ગણોતધારાની જમીનના નિયમોમાં મોટો ધડાકો! કબજાની તારીખ અંગે મહેસૂલ વિભાગનો નવો આદેશ, તમામ કલેક્ટરોને તાકીદ

Spread the love

ગુજરાતમાં ગણોતધારા હેઠળ નવી અને અવિભાજ્ય શરતે મળેલી જમીનોના પ્રીમિયમની ગણતરીમાં કબજાની તારીખ નક્કી કરવા અંગે રાજ્યના મહેસૂલ વિભાગે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. જમીનના કબજાની તારીખ અંગેની મૂંઝવણ દૂર કરવા વિભાગે નવી સૂચનાઓ જાહેર કરી છે. આ નિર્ણયથી ગણોતધારા હેઠળની જમીનોના પ્રીમિયમની ગણતરીમાં એકસૂત્રતા જળવાશે.

 

મહેસૂલ વિભાગ દ્વારા 7 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં અગાઉની સૂચનાઓનો ઉલ્લેખ કરીને નવી જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. પરિપત્ર મુજબ, ગણોતધારાની કલમ 32(ગ) અને 32(ઓ) હેઠળ પ્રાપ્ત થયેલી પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી અને અવિભાજ્ય શરતે મળેલી જમીનોના કબજાની તારીખ નક્કી કરવા માટે ગણોતિયાનો હક્ક કઈ તારીખથી સ્થાપિત થયો છે તે મહત્ત્વનું ગણાશે.

આવી જમીનોના કિસ્સામાં મામલતદાર અથવા કૃષિપંચના હુકમમાં ગણોતિયાનો હક્ક સ્થાપિત કરતી વખતે દર્શાવેલી અથવા નક્કી કરેલી ‘ડેટ ઓફ ડીમ્ડ परयेज’ (Date of Deemed Purchase) नी તારીખથી કબજાના હક્કની તારીખ ગણવાની રહેશે.

 

જોકે, સંબંધિત હુકમમાં કબજાની તારીખ કે વર્ષ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું ન હોય તેવા કિસ્સામાં પુરાવા તરીકે રજૂ કરાયેલા પહાણીપત્રકમાં ખેડની રીત નંબર-3ના ઉલ્લેખમાં જે વર્ષ દર્શાવવામાં આવ્યું હોય તે વર્ષથી કબજાની ગણતરી કરવાની રહેશે.

 

ગ્રાંટની તારીખથી 15 વર્ષ સુધી જમીન વેચી શકાશે નહીં

 

પરિપત્રમાં ગણોતધારાની કલમ 32(પી)(2)(સી) અને કલમ 84(સી)(4) હેઠળ ગ્રાંટ થયેલી જમીનો અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આવી જમીનો પ્રતિબંધિત સત્તા પ્રકારની નવી અને અવિભાજ્ય શરતે ગ્રાંટ કરવામાં આવી હોય તો કબજાની ગણતરી ગ્રાંટના હુકમની તારીખથી કરવાની રહેશે. સાથે જ જમીન ગ્રાંટ થયાના હુકમની તારીખથી 15 વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં કે જૂની શરતમાં ફેરફાર કરી શકાશે નહીં.

મહેસૂલ વિભાગે આ પરિપત્ર મારફતે કબજાની સમયમર્યાદા ગણવા અંગેની પ્રક્રિયા સ્પષ્ટ કરી છે. આ સૂચનાઓનો અમલ કરવા રાજ્યના તમામ કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ આ અંગે આપવામાં આવેલી સૂચનાઓને રદ કરીને હવે નવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *