બાંગ્લાદેશની ઝુપડપટ્ટીઓમાં શૂટિંગ, ચીનમાં વાયરલ અને નામ દિલ્હીનુઃ ભારતની ઇમેજ ખરાબ કરવાનો ચીની વ્લોગર્સનો કારસો

Spread the love

ચીનના આશરે 150 નાગરિકો બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગરીબ વસાહતો અને ઝુપડપટ્ટીઓના વીડિયો બનાવી રહ્યા છે અને તેને ચીનના સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રિમ કરીને ભારતની રાજધાની દિલ્હીનાં દૃશ્યો ગણાવીને રજૂ કરી રહ્યા છે.તેઓ ભારતીયોની રહેણીકરણી, સ્વચ્છતા અને જીવનશૈલી વિશે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરે છે. આ પ્રવૃત્તિ પાછળ માત્ર વીડિયો અને પ્રોડક્ટનું પ્રમોશન છે કે ભારત વિરુદ્ધ કોઈ મોટું દુષ્પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે તે અંગે સવાલ ઊભા થયા છે.

 

ઢાકાના અખબાર પ્રથમ આલોના 6 નવેમ્બરના તપાસ અહેવાલ મુજબ, ચીની નાગરિકો ઢાકાના ટેકપારા અને ઉત્તરા વિસ્તારની સાંકડી ગલીઓમાં વીડિયો બનાવીને ચીનના વીચેટ અને ડોયિન પ્લેટફોર્મ પર લાઇવ કરે છે. 1 નવેમ્બરે મિઆનમિયાન નામની ચીની યુવતી ઉત્તરા સેક્ટર-12માં નહેર પાસે લાઇવ કરતી જોવા મળી હતી. તેણે આ વિસ્તારને નવી દિલ્હી ગણાવીને ઘરોને ગંદાં, પછાત અને અસ્વચ્છ ગણાવ્યાં હતાં. એક અન્ય વ્લોગર વાંગ વેઈએ (Wang Wei) સ્થાનિક લોકો જે ચા પીતા હતા તેને ‘ગાયના પેશાબની ચા’ ગણાવી હતી. કેટલીક ચીની મહિલાઓએ તો તેઓ ભારતીય પુરુષો સાથે લગ્ન કરીને અહીં રહેતી હોવાનો દાવો પણ કર્યો હતો.

 

અહેવાલમાં જણાવાયું છે કે ફાંગયુ નામના એક ચીની નાગરિકે આ વીડિયો પ્રોડક્ટ પ્રમોશન માટે બનાવાતા હોવાનું કહ્યું હતું, પરંતુ વિસ્તાર પસંદ કરવાનું કારણ સમજાવ્યું નહોતું. જુલાઈમાં કાલેર કંઠો (Kaler Kantho)એ પણ આવા વીડિયો પ્રોડક્ટ પ્રમોશનનો ભાગ હોવાનો દાવો કરતી એક સ્ટ્રીમરનો ઉલ્લેખ કર્યો હતો.

 

આ પ્રવૃત્તિ અંગે બિઝનેસ સ્ટાન્ડર્ડે 28 મેના અહેવાલમાં ટેકપારામાં ચીની વ્લોગર્સની હાજરી નોંધી હતી. બિલિબિલી અને યુકુ જેવા પ્લેટફોર્મ પર ગરીબ, ગંદા અને ઝૂંપડપટ્ટી જેવા શબ્દોવાળા વીડિયો પણ જોવા મળ્યા હતા. વ્લોગર્સ લાંબા સમય સુધી શૂટિંગ કરવા આઇફોન સાથે કૂલિંગ ફેન રાખતા હોવાનું પણ નોંધાયું હતું.

 

સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ શૂટિંગ સતત ચાલે છે. કેટલાક વ્લોગર્સ પર પરવાનગી વિના ઘરો, રસોડાં અને બાથરૂમમાં પ્રવેશીને વીડિયો ઉતારવાના આક્ષેપ પણ થયા છે. સ્થાનિક મહિલાઓ તેમને મદદ કરે છે અને રોજના 500થી 1,000 ટાકા મેળવે છે. પ્રથમ આલોના મુજબ એક મહિલા માર્ગદર્શકને રોજના 700થી 800 ટાકા મળતા હતા. કાલેર કંઠોએ એવો પણ અહેવાલ આપ્યો હતો કે એક ચીની નાગરિકે પત્રકારોનો ફોન નંબર મેળવવા અને તેમને વિસ્તાર છોડવા કહેવા માટે સ્થાનિક ફાર્મસી માલિકનો સંપર્ક કર્યો હતો.

 

ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે પોલીસને શૂટિંગની જાણ છે, પરંતુ તેનો હેતુ ખબર નથી. વરિષ્ઠ અધિકારીઓને જાણ કરાઈ છે અને તપાસ ચાલી રહી છે. ભારતની ધારાવી વસાહતમાં વિદેશી પ્રવાસીઓને ગાઇડ કરીને સ્થાનિકો પ્રતિ વ્યક્તિ 15,000 રૂપિયા સુધી કમાતા હોવાનું ઇન્ડિયા ટુડે ડિજિટલે માર્ચ 2026માં જણાવ્યું હતું. ચીની વ્લોગર્સ પણ ગરીબીના દૃશ્યોમાંથી કમાણી કરવા માગતા હોઈ શકે છે. જોકે, ઢાકાના દૃશ્યોને દિલ્હી ગણાવીને ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસ પાછળ સંગઠિત ષડયંત્ર છે કે નહીં તે સ્પષ્ટ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *