દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ, એકતાનગરમાં પ્રવાસીઓનું મહેરામણ; હોટેલ અને ટેન્ટસિટી હાઉસફુલ

Spread the love

દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં લોકો ફરવા માટે વિવિધ સ્થળોની પસંદગી કરી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા 8 વર્ષમાં અહીં 3 કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.વર્ષ 2026ના દિવાળી વેકેશનમાં પણ એકતાનગર પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. રજાઓ દરમિયાન અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

 

દિવાળીના વેકેશન દરમિયાન એકતાનગરમાં પ્રવાસીઓની ભીડને કારણે હોટેલ્સ, રિસોર્ટ્સ, રો-હાઉસ અને ટેન્ટસિટી હાઉસફુલ થઈ ગયાં છે. પ્રવાસીઓના રોકાણ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતા મુલાકાતીઓ માટે દિવસ દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત ઉપરાંત રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની અવરજવરમાં વધારો થતાં પરિવહન વ્યવસ્થા મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા વધારાની સ્પેશિયલ એસટી બસો પણ દોડાવવામાં આવી રહી છે. જેથી પ્રવાસીઓને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત 23થી વધુ નાના-મોટા પ્રવાસન પ્રોજેક્ટ્સ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં કુદરતી સૌંદર્ય, હરિયાળી, નદીકિનારો અને વિવિધ મનોરંજનની સુવિધાઓ પ્રવાસીઓને એક અલગ જ અનુભવ આપે છે. વર્ષ 2026માં પ્રવાસીઓ માટે નવી એકતા ક્રૂઝ અને રેઇન ફોરેસ્ટ જેવા આકર્ષણોનો પણ ઉમેરો થયો છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવા પ્રોજેક્ટ્સને કારણે પ્રવાસીઓ માટે એકતાનગરમાં જોવાલાયક સ્થળોની સંખ્યામાં વધારો થયો છે.

 

છેલ્લા 8 વર્ષથી સતત વિકસતા પ્રવાસન સ્થળ તરીકે એકતાનગરની ઓળખ વધુ મજબૂત બની છે. અગાઉ દિવાળી વેકેશનમાં લોકો અન્ય રાજ્યો અને વિદેશના પ્રવાસનું આયોજન કરતા હતા, પરંતુ હવે ગુજરાતમાં જ આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓનો ઝુકાવ વધી રહ્યો છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુવિધાઓ, સુરક્ષા, પરિવહન અને રહેવાની વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આમ, દિવાળી વેકેશનમાં એકતાનગર પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *