Auto માર્કેટમાં ખળભળાટ: Defenderની નકલના આરોપમાં BYD ફસાઈ; નેધરલેન્ડ્સમાં 2 ઓફિસ પર દરોડા

Spread the love

ઓટોમોબાઇલ જગતમાં કારની ડિઝાઇનને લઈને નવો વિવાદ ઊભો થયો છે. બ્રિટનની લક્ઝરી કાર કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)એ ચીનની અગ્રણી કાર ઉત્પાદક BYD સામે તેની SUV Ti 7ની ડિઝાઇનની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. JLRના જણાવ્યા અનુસાર, આ SUVનો દેખાવ તેની જાણીતી Defender 110 જેવો છે. આ ફરિયાદ બાદ ઓગસ્ટ 2026માં નેધરલેન્ડ્સમાં BYDની શિડમ અને હોફડોર્પ સ્થિત 2 ઓફિસમાં કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારીઓએ તપાસ કરી હતી.આ દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

 

રિવર્સ એન્જિનિયરિંગથી નકલ કરવાનો આરોપ

 

JLRને શંકા છે કે BYDએ Defenderને સંપૂર્ણ રીતે ખોલીને તેની ડિઝાઇન અને ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ રિવર્સ એન્જિનિયરિંગની મદદથી Ti 7 તૈયાર કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોર્ટમાં આ આરોપ સાબિત થયો નથી. બીજી તરફ, BYDના વકીલોએ તપાસ દરમિયાન જપ્ત કરાયેલા રેકોર્ડ સામે વાંધો ઉઠાવી કાર્યવાહીને ‘ફિશિંગ એક્સપિડિશન’ ગણાવી છે. આ મામલે 11 નવેમ્બર 2026ના રોજ હેગમાં પ્રારંભિક સુનાવણી થવાની છે.

 

Ti 7માં મળે છે 755 કિમીની રેન્જ

 

BYDએ સપ્ટેમ્બર 2025માં ચીનમાં Fang Cheng Bao બ્રાન્ડ હેઠળ Bao 7 નામથી આ SUV રજૂ કરી હતી, જેનું નામ પાછળથી Tai 7 કરવામાં આવ્યું. તેની બોક્સી ડિઝાઇન, સીધો આગળનો ભાગ, ચોરસ વ્હીલ આર્ક અને પાછળનું સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ Defenderની યાદ અપાવે છે. SUVની લંબાઈ 4,999 મિમી અને વ્હીલબેઝ 2,920 મિમી છે. તેમાં 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટરવાળું PHEV મોડલ મળે છે. તેના ઇલેક્ટ્રિક વર્ઝનની દાવો કરાયેલી રેન્જ 755 કિમી સુધીની છે.

 

Defender કરતાં લગભગ 25 લાખ રૂપિયા સસ્તી

 

બ્રિટનમાં BYD Ti 7ની પ્રી-બુકિંગ શરૂ થઈ છે. તેની કિંમત 47,995 પાઉન્ડ એટલે કે આશરે 60.29 લાખ રૂપિયા છે, જ્યારે Defender 110ની કિંમત 68,465 પાઉન્ડ એટલે કે આશરે 86 લાખ રૂપિયા છે. જાન્યુઆરી 2027થી તેની ડિલિવરી શરૂ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે JLRએ 2019માં પણ ચીની કંપની Jiangling Motor સામે Landwind X7ની ડિઝાઇન Range Rover Evoque જેવી હોવાના કેસમાં જીત મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *