કેન્દ્ર સરકારના અધિકારીઓને હવે 1.80 લાખ સુધીનાં લેપટોપ-ટેબલેટ મળશે, 4 વર્ષ બાદ કાયમ માટે ઉપકરણ રાખી શકશે

Spread the love

કેન્દ્ર સરકારે પોતાના અધિકારીઓને આપવામાં આવતાં લેપટોપ, ટેબલેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી માટેની કિંમત મર્યાદામાં વધારો કર્યો છે. હવે મેક ઇન ઇન્ડિયાના 40%થી વધુ ઘટકો ધરાવતા ઉપકરણોની ખરીદી માટે 1.80 લાખ સુધીનો ખર્ચ કરી શકાશે. નવા નિયમ મુજબ, અધિકારીઓ 4 વર્ષ ઉપયોગ કર્યા બાદ આ ઉપકરણો પોતાની પાસે પણ રાખી શકશે.

10 નવેમ્બરથી નવા નિયમો જાહેર

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે 10 નવેમ્બર 2026ના રોજ નવા માર્ગદર્શક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો કેન્દ્ર સરકારનાં મંત્રાલયો અને વિભાગોમાં લેપટોપ તથા અન્ય ઉપકરણોની ખરીદી પર લાગુ થશે. નવા નિયમો જુલાઈ 2023માં જાહેર કરાયેલા જૂના નિયમોનું સ્થાન લેશે.

 

સામાન્ય ઉપકરણો માટે 1.50 લાખની મર્યાદા

 

નવા નિયમો મુજબ સામાન્ય લેપટોપ, ટેબલેટ, નોટપેડ, અલ્ટ્રાબુક અને નોટબુકની કિંમત 1.50 લાખથી વધુ હોવી જોઈએ નહીં. તેના પર લાગુ કરવેરો અલગથી ગણવામાં આવશે. જ્યારે મેક ઇન ઇન્ડિયાના 40%થી વધુ ઘટકો ધરાવતા ઉપકરણો માટે કિંમત મર્યાદા 1.80 લાખ રાખવામાં આવી છે. આ કિંમતમાં પ્રમાણભૂત સોફ્ટવેરનો ખર્ચ પણ સામેલ રહેશે.

અગાઉ આ મર્યાદા હતી

 

વર્ષ 2023ના નિયમોમાં સામાન્ય ઉપકરણો માટે 1 લાખ અને મેક ઇન ઇન્ડિયાના ઘટકો ધરાવતા ઉપકરણો માટે 1.30 લાખની મર્યાદા હતી.

 

કયા અધિકારીઓ ઉપકરણ મેળવવા પાત્ર?

 

સેક્શન ઓફિસર કક્ષાના અને તેનાથી ઉપરના અધિકારીઓ આ ઉપકરણો મેળવવા પાત્ર રહેશે. સાતમા કેન્દ્રીય પગાર પંચના પગાર સ્તર 12 અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને આ સુવિધા મળશે. પગાર સ્તર 8થી 11 સુધીના અધિકારીઓમાંથી કોઈ પણ વિભાગના વધુમાં વધુ 50% અધિકારીઓને આ સુવિધા મળશે. જોકે, સંબંધિત મંત્રાલય કે વિભાગના સચિવ નાણાકીય સલાહકારની સલાહ લઈને વિભાગની જરૂરિયાતના આધારે આ મર્યાદા વધારીને 75% કરી શકશે.

4 વર્ષ બાદ અધિકારીઓ ઉપકરણ પોતાની પાસે રાખી શકશે

 

નવા નિયમો મુજબ, ખરીદીની તારીખથી 4 વર્ષ સુધી લેપટોપ કે ટેબલેટ સરકારની મિલકત રહેશે. આ સમયગાળા દરમિયાન જે અધિકારીને ઉપકરણ આપવામાં આવ્યું હશે, તેની જવાબદારી તેમાં રહેલા ડેટા અને માહિતીની સુરક્ષા કરવાની રહેશે.. 4 વર્ષનો ઉપયોગ પૂર્ણ થયા બાદ અધિકારી ઉપકરણ પોતાની પાસે રાખી શકશે. એટલે કે તેને સરકારને પરત કરવાની જરૂર રહેશે નહીં.

 

નવા નિયમોમાં મોબાઇલ ફોનનો ઉલ્લેખ નથી

 

વર્ષ 2023ના માર્ગદર્શક નિયમોમાં મોબાઇલ ઉપકરણોની ખરીદીનો પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો. જોકે, 10 નવેમ્બર 2026ના નવા નિયમોમાં મોબાઇલ ફોનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. નવા નિયમો લેપટોપ, ટેબલેટ, નોટપેડ, અલ્ટ્રાબુક, નોટબુક અને આ પ્રકારનાં ઉપકરણો માટે લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *