વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે બુધવાર 11 નવેમ્બરના રોજ 77 હજાર કરોડ રૂપિયાના 5 અગત્યના નિર્ણયને મંજૂરી આપી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ ફર્ટિલાઇઝર સબ્સિડી છે. કેબિનેટે 2026-27 રવિ સીઝન માટે ન્યુટ્રિએન્ટ બેઝ્ડ સબ્સિડીને મંજૂરી આપી છે, જેના પર 62,370 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે લીલી ઝંડી મળી છે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયાના ક્રેડિટ ગેરંટી ફંડ માટે 4,111 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ અને નાની યુનિટ્સ માટે 5,000 કરોડ રૂપિયાના ક્રેડિટ ગેરંટી ફંડના પ્રસ્તાવને મંજૂરી મળી છે.આ સિવાય નોઇડાથી ગ્રેટર નોઇડા વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2,390 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મંજૂર થયો છે. કેબિનેટે 3,230 કરોડ રૂપિયાના યુગે યુગીન ભારત મ્યુઝિયમના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.
ફર્ટિલાઇઝર સબ્સિડીને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રવિ સીઝન 2026-27 માટે ફોસ્ફેટિક અને પોટાશ (P&K) ફર્ટિલાઇઝર પર ન્યુટ્રિએન્ટ આધારિત સબ્સિડી (NBS) ના દરોને મંજૂરી આપી દીધી છે. આ સબ્સિડી 1 ઓક્ટોબર 2026 થી 31 માર્ચ 2027 સુધી લાગુ રહેશે.
સરકારના જણાવ્યા અનુસાર, રવિ સીઝન 2026-27 દરમિયાન સબ્સિડી પર આશરે 62,370.02 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આ અગાઉની રવિ સીઝન 2025-26 ના 37,952.29 કરોડ રૂપિયાના બજેટની સરખામણીએ 24,417.73 કરોડ રૂપિયા વધુ છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયથી ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટાશ ફર્ટિલાઇઝર સસ્તા અને યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને મુદ્રા લોન ગેરંટી યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી
કેન્દ્ર સરકારે સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને નાના વેપારીઓને લોન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી બે મહત્વની યોજનાઓને આગામી 5 વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના અને માઇક્રો યુનિટ્સ માટે ક્રેડિટ ગેરંટી ફંડ (CGFMU) ને 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના લોકોને ઉદ્યોગ શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. યોજનાના આગામી 5 વર્ષ દરમિયાન 2.5 લાખ વધારાના સાહસિકોને લાભ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
એપ્રિલ 2016 માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.75 લાખથી વધુ મહિલાઓ, SC અને ST સાહસિકોને લોન પૂરી પાડવામાં આવી ચૂકી છે. આ માટે 4,111 કરોડ રૂપિયાના ક્રેડિટ ગેરંટી કોર્પસને મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટે માઇક્રો યુનિટ્સ માટે ક્રેડિટ ગેરંટી ફંડ (CGFMU) ને પણ 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ ફંડ દ્વારા નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) ધિરાણ આપતી સંસ્થાઓને લોન ડિફોલ્ટના જોખમ સામે ક્રેડિટ ગેરંટી પૂરી પાડે છે. આ માટે 5,000 કરોડ રૂપિયાના કોર્પસને મંજૂરી આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ 12.6 લાખ કરોડ રૂપિયાની લોનને સુવિધા મળવાનો અંદાજ છે.
60.36 કરોડથી વધુ લોન મંજૂર કરી
સપ્ટેમ્બર 2026 સુધી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ધિરાણ આપતી સંસ્થાઓએ 60.36 કરોડથી વધુ લોન મંજૂર કરી છે. આની કુલ રકમ 43.34 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જાન્યુઆરી 2016 માં શરૂ થયેલ CGFMU દેશમાં મુદ્રા યોજના હેઠળ લોનના વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે.
અન્ય કઈ જાહેરાતોને મંજૂરી આપવામાં આવી?
કેન્દ્ર સરકારે નોઇડા મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ એક્વા લાઇનના વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ નોઇડા સેક્ટર-51 થી ગ્રેટર નોઇડા સેક્ટર-4 સુધી 8.449 કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર બનાવવામાં આવશે. આ રૂટ પર 5 એલિવેટેડ સ્ટેશન હશે.
કોરિડોર શરૂ થયા પછી નોઇડા અને ગ્રેટર નોઇડામાં મેટ્રો નેટવર્કની કુલ કાર્યરત લંબાઈ વધીને 71.878 કિલોમીટર થઈ જશે. આ સાથે જ કેબિનેટે નવી દિલ્હી સ્થિત નોર્થ અને સાઉથ બ્લોક પરિસરમાં ‘યુગે યુગીન ભારત સંગ્રહાલય’ (YYBM) વિકસાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર કુલ 3,230 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.
