દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓમાં પ્રવાસીઓ માટે જૂનાગઢ પહેલી પસંદ બની રહ્યું છે. પ્રકૃતિ, ઐતિહાસિક વિરાસત અને ધાર્મિક સ્થળોનો અનોખો સંગમ ધરાવતા જૂનાગઢમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લોકો પરિવાર અને મિત્રો સાથે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે.ઉપરકોટનો પ્રાચીન ઇતિહાસ, હરિયાળું વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને આધુનિક સુવિધાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. તો બીજી તરફ ઉપરકોટમાં શરૂ થયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યો છે. ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ…
દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓના પગ જૂનાગઢ તરફ વળ્યા છે. એક તરફ ગિરનારની પ્રાકૃતિક સુંદરતા, સક્કરબાગ અને ગીર વિસ્તારનું આકર્ષણ છે, તો બીજી તરફ જૂનાગઢની ઐતિહાસિક ધરોહર ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યો છે.અમદાવાદથી પરિવાર અને મિત્રો સાથે ફરવા આવેલા પ્રવાસીઓ ઉપરકોટના સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓના જણાવ્યા અનુસાર અમદાવાદ જેવા મોટા શહેરોમાં વધતા પ્રદૂષણ અને શહેરી ભાગદોડ વચ્ચે જૂનાગઢનું કુદરતી વાતાવરણ મનને શાંતિ આપે છે. અહીંનું હરિયાળું વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિની વચ્ચે વેકેશન માણવાનો અનુભવ ખરેખર અનોખો છે.
દિવાળીના વેકેશનમાં અમદાવાદથી સૌરાષ્ટ્ર આવેલા પ્રવાસીઓનું કહેવું છે કે કાઠિયાવાડની મહેમાનગતિ, કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ માહોલ વેકેશનને યાદગાર બનાવે છે. પરિવાર સાથે જૂનાગઢની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અહીંની વ્યવસ્થા, સુરક્ષા અને સ્વચ્છ વાતાવરણને પણ પસંદ કરી રહ્યા છે.
આ વખતે ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણો ઊભાં કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધુ ચર્ચામાં છે લાઇટ એન્ડ સાઉન્ડ શો. ત્રણ વર્ષના વિલંબ બાદ શરૂ થયેલો આ શો દરરોજ સાંજે સાત વાગ્યે યોજાય છે. અંદાજે 20 મિનિટના આ શોમાં પ્રકાશ અને અવાજના માધ્યમથી ઉપરકોટનો 2300 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ જીવંત કરવામાં આવે છે. જેના કારણે પ્રવાસીઓને ઇતિહાસને જાણવાનો અને માણવાનો એક નવો અનુભવ મળી રહ્યો છે. આ ઉપરાંત ઉપરકોટમાં ચાર્લી ચેપ્લિન, જોકર અને ગોરિલા જેવા આકર્ષણો, આદિવાસી સંસ્કૃતિને લગતી રજૂઆતો, વાઇલ્ડલાઇફ એક્ઝિબિશન અને બે નવી ગોલ્ફ કાર્ટની સુવિધા પણ પ્રવાસીઓ માટે ઉમેરવામાં આવી છે. ખાસ કરીને વાઇલ્ડલાઇફ એક્ઝિબિશનના માધ્યમથી પ્રવાસીઓને વન્યજીવન અંગે જાણકારી મળી રહી છે અને વન્યજીવો પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે.
દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વધારાનો સ્ટાફ, ગોલ્ફ કાર્ટ, પીવાનું પાણી, શૌચાલય અને ખાણીપીણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઐતિહાસિક સ્થળોની મુલાકાત સાથે પ્રકૃતિના ખોળે બેસીને સમય પસાર કરવાની તક પ્રવાસીઓ માટે વિશેષ આનંદનો અનુભવ બની રહી છે.એકંદરે જોઈએ તો જૂનાગઢ માત્ર ધાર્મિક કે ઐતિહાસિક સ્થળ તરીકે જ નહીં, પરંતુ પરિવાર સાથે વેકેશન માણવા માટેના એક સુંદર પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે. દિવાળીની રજાઓમાં જૂનાગઢ તરફ વધી રહેલો પ્રવાસીઓનો પ્રવાહ સ્થાનિક પ્રવાસન અને રોજગાર ક્ષેત્ર માટે પણ સકારાત્મક સંકેત આપી રહ્યો છે. પ્રકૃતિનું સૌંદર્ય, ઇતિહાસનો વારસો અને મહેમાનગતિનો અનોખો અનુભવ… આ તમામ બાબતોને કારણે દિવાળીના વેકેશનમાં જૂનાગઢ પ્રવાસીઓના દિલમાં ખાસ સ્થાન મેળવી રહ્યું છે.
