ગાંધીનગરના હૃદયસમાન ગણાતા અને કરોડો રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરાયેલા PDPU આઈકોનિક રોડ પર દિવાળીના પાવન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઊડતા જોવા મળ્યા છે. એક તરફ પોલીસ તંત્ર દ્વારા તહેવારોના દિવસોમાં શહેરમાં સઘન પેટ્રોલિંગ અને ચોકબંધ સુરક્ષા વ્યવસ્થાના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ પાટનગરના આ હોટ ફેવરિટ સ્પોટ પર નબીરાઓએ જાહેર માર્ગ અને સિગ્નેચર બ્રિજ પર ફટાકડા ફોડીને રીલ્સ બનાવી કાયદાનું ચીરહરણ કર્યું હતું.આ વિવાદાસ્પદ કૃત્યને કારણે માર્ગ પરથી પસાર થતા હજારો નિર્દોષ વાહનચાલકોના જીવ ભારે જોખમમાં મુકાઈ ગયા હતા, જેને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
સિગ્નેચર બ્રિજ બન્યો અરાજકતાનો અડ્ડો
દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગરના ભાઈજીપુરાથી PDPU અને ગિફ્ટ સિટી તરફ જતા કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ આઈકોનિક રોડ તેમજ સિગ્નેચર બ્રિજ પર મોડી રાત્રે વૈભવી ગાડીઓનો કાફલો અડિંગો જમાવીને ઊભો રહી ગયો હતો. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો અને સીન-સપાટા કરવાનો ક્રેઝ ધરાવતા નબીરાઓએ જાહેર માર્ગ પર જ પોતાની ગાડીઓ આડી પાર્ક કરીને ધૂમધામથી ફટાકડા ફોડ્યા હતા. આ કારણે સમગ્ર રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને નિર્દોષ વાહનચાલકો ભયના ઓથાર હેઠળ મુકાયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સિગ્નેચર બ્રિજ પર દરરોજ રાત્રે આ જ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
કરોડોના AI ટ્રાફિક સિગ્નલ માત્ર કાગળ પર?
નબીરાઓની દાદાગીરી સાથે જ તંત્રની નિષ્ક્રિયતા અને નબળી ગુણવત્તાની કામગીરી પણ આ વિસ્તારમાં ઉપસીને સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો ટૂંકા જ સમયમાં અનેક જગ્યાએથી બિસ્માર સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ ઉપરાંત શહેરમાં સૌપ્રથમવાર લગાવવામાં આવેલા હાઈટેક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રાફિક સિગ્નલ ધરાવતા જ્ઞાનમાર્ગ સર્કલની સ્થિતિ પણ તદ્દન દયનીય બની છે. સામાન્ય નાગરિક જો નિયમ તોડે તો AI કેમેરા તરત ઈ-મેમો મોકલી આપે છે, પરંતુ આ જ સર્કલની વચોવચ ખડકાઈ ગયેલા ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો સામે તંત્ર તદ્દન લાચાર સાબિત થયું છે
PDPU મેટ્રો સ્ટેશન પાસે પણ રસ્તો બ્લોક કરાયો
ગત મંગળવારે રાત્રે પણ સિગ્નેચર બ્રિજ અને PDPU મેટ્રો સ્ટેશન નજીક નબીરાઓએ ગાડીઓની હારમાળા ઊભી કરી યુવતીઓ સાથે ગેંગ બનાવી રીલ્સ બનાવી હતી, જેનાથી કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ કે પોલીસ તંત્ર કાયમી ધોરણે આ દબાણો દૂર કરવાની તસ્દી લેતું નથી. આ સમગ્ર મામલે ડીવાયએસપી (DySP) ડી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે, “ઘટનાની જાણ થતાં જ પીએસીઆર (PCR) મોકલી આપવામાં આવી છે. ગિફ્ટ સિટી નજીક હોવાથી નબીરાઓ અહીં રીલ્સ બનાવવા આવતા હોય છે. અમે એકવાર આ લોકોને હટાવી દઈએ તો બે કલાકમાં તેઓ પાછા આવી જાય છે. જો આ મામલે કલેક્ટર કક્ષાએથી વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે, તો આ તમામ તત્વોને યોગ્ય કાયદાકીય પાઠ ભણાવી શકાય.”
સુરત મનપાના નાસીરનગર ડિમોલિશન મામલે વિવાદ ઘેરો થયો: અસરગ્રસ્તોને આવાસ આપવાની પોલિસી ન હોવાનો ઠરાવ મંજૂર
