ગણિતનો શિક્ષક પૂર્વ વિદ્યાર્થિનીને સ્નેપચેટથી મેળવેલા ફોટા બતાવી બ્લેકમેલ કરતો હતો, અશ્લીલ વાતો કરતો હતો, વિદ્યાર્થિનીના જ મિત્રએ છરીથી ગળું કાપી નાખ્યું, બ્લેકબોર્ડ પર લખ્યું, ‘ઓપી યાદવ રેપિસ્ટ’

Spread the love

ઉત્તર પ્રદેશના આગ્રામાં ગણિતના શિક્ષકની હત્યાનો મામલો આખરે ઉકેલાયો છે. જગદીશપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની આવાસ વિકાસ કોલોનીના સેક્ટર-3માં બનેલી આ ઘટનામાં કોચિંગ સંચાલક અને ગણિતના શિક્ષક ઓમ પ્રકાશ યાદવની હત્યા અંગે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે હત્યાના આરોપી નીખિલ (રહે. શાહગંજ)ને કસ્ટડીમાં લીધો છે. આ ઉપરાંત મૃતક શિક્ષકની સ્કૂટી પણ કબજે કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શિક્ષક ઓમ પ્રકાશ યાદવ પોતાની એક પૂર્વ વિદ્યાર્થિનીને સ્નેપચેટમાંથી મેળવેલા વાંધાજનક ફોટા દ્વારા બ્લેકમેઇલ કરતા હતા. આ બાબતથી પરેશાન થઈને વિદ્યાર્થિનીએ પોતાના મિત્ર નીખિલને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ નીખિલ કોચિંગ સેન્ટરમાં ઘૂસી ગયો હતો અને ચાકુથી શિક્ષકનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે બ્લેકબોર્ડ પર ‘ઓપી યાદવ રેપિસ્ટ’ લખ્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

 

શહેરના ડીસીપી રવીન્દ્ર કુમારે આ મામલાનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પોલીસે હત્યાના આરોપી નીખિલને ઝડપી લીધો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. 2 નવેમ્બરના રોજ છેલ્લે જોવા મળેલા ગણિતના શિક્ષક ઓમ પ્રકાશ યાદવનો મૃતદેહ 6 નવેમ્બરના રોજ આવાસ વિકાસ કોલોનીના સેક્ટર-3માં આવેલા વીએસ પ્લાઝા કોચિંગ સેન્ટરમાંથી મળી આવ્યો હતો.

 

પોલીસે શિક્ષકના મોબાઇલની કોલ ડિટેઇલ અને ચેટની તપાસ કરી હતી. જેમાં એક પૂર્વ વિદ્યાર્થીનીને સતત કોલ અને મેસેજ કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.

 

રડતાં-રડતાં વિદ્યાર્થિનીએ બ્લેકમેઇલિંગની હકીકત જણાવી

 

શરૂઆતમાં પૂછપરછ દરમિયાન વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે શિક્ષક સારા હતા અને તમામ વિદ્યાર્થીઓને પ્રેમ કરતા હતા. જોકે, પોલીસે તેને સતત કરવામાં આવેલા કોલ અને મેસેજના પુરાવા બતાવ્યા ત્યારે તે રડી પડી હતી. ત્યારબાદ તેણે ખુલાસો કર્યો હતો કે શિક્ષક ઓમ પ્રકાશ યાદવે સ્નેપચેટ પરથી તેના કેટલાક વાંધાજનક ફોટા મેળવી લીધા હતા. આ ફોટા બતાવીને તેઓ તેને બ્લેકમેઇલ કરતા હતા. શિક્ષક વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ પણ મોકલતા હતા. વિદ્યાર્થીની મેસેજ વાંચી લેતી ત્યારબાદ તેઓ તે મેસેજ ડિલીટ કરી દેતા હતા.

 

સ્કૂટી મળી આવી, મોબાઇલ તોડીને ફેંકી દીધો હતો

 

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી નીખિલ મૃતક શિક્ષકનો મોબાઇલ તોડીને ફેંકી ગયો હતો અને તેમની સ્કૂટી લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી નીખિલને કસ્ટડીમાં લેવા ઉપરાંત શિક્ષકની સ્કૂટી પણ કબજે કરી છે.

 

શિક્ષકે ઠપકો આપતાં ચાકુથી ગળું કાપ્યું

 

શિક્ષકની હરકતો અને બ્લેકમેઇલિંગથી કંટાળેલી વિદ્યાર્થિની તેમનાથી છુટકારો મેળવવા માગતી હતી. આ દરમિયાન તેની ઓળખાણ શાહગંજના રહેવાસી નીખિલ સાથે થઈ હતી. વિદ્યાર્થિનીએ નીખિલને શિક્ષકની કથિત કરતૂતો વિશે જાણકારી આપી હતી. સમગ્ર હકીકત જાણ્યા બાદ નીખિલે શિક્ષક ઓમ પ્રકાશ યાદવને ફોન કરીને વિદ્યાર્થિનીથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

 

2 નવેમ્બરે કોચિંગ સેન્ટરમાં ઘૂસીને કરી હત્યા

 

શિક્ષક પોતાની હરકતોથી પાછળ ન હટતાં 2 નવેમ્બરના રોજ નીખિલ ચાકુ લઈને વીએસ પ્લાઝા સ્થિત કોચિંગ સેન્ટરમાં તેમને ધમકાવવા પહોંચ્યો હતો. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન શિક્ષકે નીખિલને ઠપકો આપ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા નીખિલે ચાકુ વડે શિક્ષક પર એક પછી એક અનેક ઘા ઝીંક્યા હતા અને તેમનું ગળું કાપી નાખ્યું હતું.

 

હત્યા કર્યા બાદ આરોપીએ કોચિંગ સેન્ટરના બ્લેકબોર્ડ પર ‘ઓપી યાદવ રેપિસ્ટ’ લખ્યું હતું અને શિક્ષકની સ્કૂટી લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે હવે આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *