સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના 8 ગામોમાં આદિવાસી સમાજની પરિસ્થિતિ ખૂબ જ દયનિય બની છે. રોજગારી ન મળતા 80% આદિવાસી સમાજના લોકોને પોતાના વતન છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. રાણાગઢ, પરાલી, પનાળા, રણોલ, કઠેચી સહિતના ગામોમાં ઘરોને તાળા લાગી ગયા છે. એક તરફ તંત્ર બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.
લીંબડીના 8 ગામોમાંથી 80 ટકા આદિવાસીઓની રોજગારી માટે હિજરત : ઘરોને લાગ્યા તાળા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના 8 ગામોમાં આદિવાસી સમાજની પરિસ્થિતિ ખૂબ જ દયનિય બની છે. રોજગારી ન મળતા 80% આદિવાસી સમાજના લોકોને પોતાના વતન છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. રાણાગઢ, પરાલી, પનાળા, રણોલ, કઠેચી સહિતના ગામોમાં ઘરોને તાળા લાગી ગયા છે. એક તરફ તંત્ર બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.
ત્યારે બીજી તરફ આદિવાસીઓની આ હૈયાવેદના તંત્ર જાણે તેવી માંગ ઉઠી છે.લીંબડી તાલુકાના આ 8 ગામોમાં મોટાભાગે પઢાર સમુદાયના આદિવાસી લોકો વસે છે. આ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી અને મજૂરી હતો. નળકાંઠા વિસ્તારમાં માછીમારી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ હવે નળકાંઠામાં માછીમારી ન કરવા દેવામાં આવતા તેમની રોજગારી છીનવાઈ ગઈ છે.
જેના કારણે તેમની સામે સ્થાનિક લોકો હિજરત કરવા મજબુર બન્યા છે.પીવાના પાણી, રોડ રસ્તાઓનો પણ આ ગામોમાં અભાવ છે. ગામોમાં પાયાની સુવિધાઓનો જ અભાવ છે. રોજગારી માટે કોઈ વ્યવસ્થા નથી. સરકારી યોજનાઓ કાગળ પર જ રહી ગઈ છે. જેના કારણે આદિવાસી પરિવારો પોતાના બાળકો, વૃદ્ધ માતા-પિતાને લઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હિજરત કરી ગયા છે. ત્યાં તેઓ ઈંટોના ભઠ્ઠામાં, ખેત મજૂરી અને બાંધકામમાં મજૂરી કરીને પેટ ભરે છે.
ગામોમાં જઈએ તો ઠેર ઠેર ઘરોને તાળા લાગેલા જોવા મળે છે. જે ઘરોમાં એક સમયે ધમધમાટ હતો તે ઘરો આજે સૂમસામ બની ગયા છે. ગામમાં માત્ર વૃદ્ધો અને બાળકો જ રહ્યા છે. યુવાનો બધા જ હિજરત કરી ગયા છે. ગામના લોકોનું કહેવું છે કે અમને અહીં કોઈ રોજગારી મળતી નથી. અમે શું કરીએ? અમારા બાળકોને ભણાવવા માટે પણ પૈસા નથી. પીવાના પાણી માટે પણ દૂર સુધી જવું પડે છે.આગામી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થવાની છે.
તંત્ર દ્વારા લીંબડી તાલુકાના રણોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ જે ગામમાં ઉજવણી થવાની છે તે ગામના જ 80% લોકો હિજરત કરી ગયા છે. ત્યારે આ ઉજવણી કોના માટે? તેવો સવાલ આદિવાસી સમાજના લોકો પૂછી રહ્યા છે.
આદિવાસીઓની હૈયાવેદના છે કે તંત્ર માત્ર ઉજવણીના તાયફા કરે છે. મોટા મોટા મંડપ બાંધી, ભાષણો કરીને જતું રહે છે. પરંતુ આદિવાસીઓની વાસ્તવિક પરિસિ્થતિ સુધારવા માટે કોઈ નક્કર કામ કરતું નથી. અમને ભાષણો નથી જોઈતા, અમને રોજગારી જોઈએ છે. અમને પીવાનું પાણી જોઈએ છે. અમને રોડ રસ્તા જોઈએ છે. અમને અમારા વતનમાં જ રોજગારી મળે તો અમારે હિજરત કરવાની જરૂર ન પડે.સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે સરકાર દ્વારા ઙખ-ઉંઅગખઅગ યોજના હેઠળ આવાસ આપવાની વાત કરવામાં આવે છે.
પરંતુ આવાસમાં રહેવા માટે લોકો જ ગામમાં નથી. લોકો હિજરત કરી ગયા છે. પહેલા લોકોને રોજગારી આપો, પછી આવાસ આપો. જો રોજગારી જ નહીં હોય તો આવાસમાં રહીને ખાશે શું? તેવા સવાલ ગામોની મુલાકાત દરમ્યાન સ્થાનિક લોકોએ કર્યા છે.નળકાંઠામાં માછીમારી બંધ કરાવવાના કારણે આદિવાસીઓની કમર તૂટી ગઈ છે. વર્ષોથી આ લોકો માછીમારી કરતા હતા. હવે તેમને માછીમારી કરવા દેવામાં આવતી નથી. જેના કારણે તેમનો પરંપરાગત વ્યવસાય છીનવાઈ ગયો છે. તંત્રએ આ લોકો માટે વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા કરવી જોઈએ.
આદિવાસી સમાજના લોકોએ માંગ કરી છે કે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી પહેલા તંત્ર તેમની પરિસ્થિતિ જાણે. ગામોમાં આવીને જુએ કે કેવી રીતે લોકો જીવી રહ્યા છે. માત્ર ઉજવણી કરીને ફોટા પડાવવાથી આદિવાસીઓનું કલ્યાણ થવાનું નથી. તેમને રોજગારી, પાણી અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગુણવંતસિંહ સોલંકી કલેક્ટર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ગુણવંતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના આઠ ગામોમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે આ સમાજના કુલ 2874 પરિવારજનોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે આ ઉપરાંત 5513 વિદ્યાર્થીઓને પ્રિ મેટ્રિક અને 156 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ આપવામાં આવી છે અને આઠ ગામોમાં 875 લાખના ખર્ચે 48 જેટલા વિકાસલક્ષી કામો પૂરા કરવામાં આવ્યા છે ત્યારે લીંબડી તાલુકાના રણોલ ગામે બિરસા મુંડા ની જન્મ જયંતીની ઉજવણી થવા જઈ રહી છે.અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમૃત ભૂવાત્રા આદિવાસી સમાજના આગેવાન રાણાગઢ ગામ
તંત્રના દાવાઓ વચ્ચે રાણાગઢ ગામની મુલાકાત કરવામાં આવી હતી અને ત્યાં આદિવાસી સમાજના આગેવાન અમૃતભાઈ ભુવાત્રા સાથે મુલાકાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નળકાંઠામાં માછી મારી બંધ કરવામાં આવી છે અને નળકાંઠામાં થતા ફળ ફ્રુટ પણ કાઢવા દેવામાં આવતા નથી ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે એટલે આ બાજુ કોઈ મોટી ફેક્ટરી નથી જમીનો પણ ઇકો જોનમાં આવી જાય છે.
એટલે વેચાણ થતી નથી અને કોઈ ખરીદી કરવા પણ તૈયાર નથી જેને લઇને ફરજિયાત આ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને પેટ ભરવા અને રોજગારી લેવા માટે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય તરફ જવું પડી રહ્યું છે અને હાલમાં 80% જેટલા લોકો હિજરત કરી અને જતા રહ્યા છે અને બાળકોને પણ સાથે લઈ ગયા છે.
પરિસ્થિતિ આદિવાસી સમાજની ખૂબ ખરાબ છે ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર આદિવાસી સમાજની પરિસ્થિતિ જાણી અને મળતા લાભો મળે તો આદિવાસી સમાજનો ઉદ્ધાર થાય અને નળકાંઠામાં માછીમારી તેમજ ફળ ફ્રૂટ કાઢવા ની પરમિશન આપવામાં આવે અથવા તો જે જમીનો છે તેના ઉપરથી ઇકોઝોન હટાવી લેવામાં આવે તેવી માંગ છે.
