પીઠમાં છરીના ચાર ઊંડા ઘા ઝીંકી એર હોસ્ટેસનું કાસળ કાઢી નાખ્યું, ચાકુ લાગેલું એ હાલતમાં જ બનેવીને ફોન કર્યો, પરિવાર પહોંચ્યો ત્યાં સુધીમાં મોત થઈ ગયું હતું

Spread the love

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ નજીક શનિવારે (14 નવેમ્બર) સાંજે ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. દિવાળી મનાવવા પિયર આવેલી પુણેની 35 વર્ષીય એર હોસ્ટેસ વર્ષા તુરકર (સૈયદ)ની મહારાષ્ટ્રના દૌનીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બોંડરાની ગામમાં વેનગંગા નદીના કિનારે ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ વર્ષાની પીઠ પર ધારદાર હથિયારના ચાર ઊંડા ઘા ઝીંક્યા હતા.લોહીલુહાણ હાલતમાં પરિવારજનો તેમને બાલાઘાટ જિલ્લાના ખૈરલાંજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક રીતે લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મહારાષ્ટ્ર પોલીસ સમગ્ર ઘટનાને શંકાસ્પદ માનીને તમામ પાસાંઓથી તપાસ કરી રહી છે.

 

મૃતકની ઓળખ પુણેના રહેવાસી વર્ષા તુરકર, પતિ સમર સૈયદ (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે. વર્ષા પુણેમાં એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવતાં હતાં. વર્ષ 2024માં સમર સૈયદ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેઓ પુણેમાં રહેતાં હતાં. તેમને અઢી વર્ષની એક પુત્રી પણ છે. દિવાળીના તહેવાર નિમિત્તે વર્ષા પોતાની પુત્રી સાથે બાલાઘાટ જિલ્લાના કિન્હી ગામે આવેલા પિયર ગયાં હતાં.

 

નદી કિનારે જંગલ તરફ ફરવા જતી વખતે હુમલો

 

મળતી માહિતી મુજબ, અભ્યાસ દરમિયાન વર્ષાની ઓળખ ગોંદિયાના રહેવાસી રિતેશ અગ્રવાલ સાથે થઈ હતી. 14 નવેમ્બરના રોજ રિતેશ કિન્હી આવ્યો હતો. ત્યારબાદ સાંજે વર્ષા તેની સાથે મહારાષ્ટ્રના બોંડરાની ગામમાં આવેલા વેનગંગા નદીના કિનારે મંદિર પાસે જંગલ તરફ ફરવા ગયાં હતાં.

 

સાંજે આશરે 6 વાગ્યે રિતેશે વર્ષાના બનેવી અશ્વિની ઉર્ફે પપ્પુ પટલે (રહેવાસી નવેગાંવ)ને ફોન કરીને જાણ કરી હતી કે તેમની સાથે લૂંટની ઘટના બની છે અને કેટલાક અજાણ્યા શખસોએ વર્ષા પર ચાકુથી હુમલો કર્યો છે.

 

આ માહિતી મળતાં જ બનેવી અશ્વિની પરિવારજનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ વર્ષાને ખૈરલાંજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, સાંજે આશરે 7 વાગ્યે તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.

 

લૂંટની થિયરી પર શંકા, પિતાએ નિષ્પક્ષ તપાસની માગ કરી

 

ઘટનાસ્થળ મહારાષ્ટ્રના દૌનીવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતું હોવાથી ખૈરલાંજી પોલીસે તાત્કાલિક મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. દૌનીવાડા પોલીસે ઘટનાના સમયે વર્ષા સાથે હાજર રહેલા રિતેશ અગ્રવાલ અને તેમના બનેવી અશ્વિની ઉર્ફે પપ્પુ પટલેને પૂછપરછ માટે સાથે લઈ ગઈ છે. પોલીસ બંનેનાં નિવેદનોની ખરાઈ કરી રહી છે અને ખરેખર લૂંટ થઈ હતી કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.

 

વારાસિવની પોલીસ સ્ટેશનના પ્રભારી અનૂપ કુમાર ઉઇકેએ જણાવ્યું હતું કે ખૈરલાંજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ માટે કેસ ડાયરી મહારાષ્ટ્રના દૌનીવાડા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવી રહી છે.

 

15 નવેમ્બરની સવારે આશરે 11 વાગ્યે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ, મૃતકના પિતા ધુરનલાલ તુરકરે પુત્રીની હત્યાની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને કડકમાં કડક સજા અપાવવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *