કર્ણાટકના તુમકુર જિલ્લામાં સંબંધોને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કુનિગલ તાલુકાના ચૌદાનાયકનપાળ્યા ગામમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદનો ભોગ 16 વર્ષનો માસૂમ પુત્ર બન્યો છે. ગુસ્સામાં બેકાબૂ બનેલા પિતાએ પોતાના જ પુત્ર પર હથોડી અને ધારદાર હથિયાર (ચાકુ) વડે હુમલો કરીને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.રવિવાર (15 નવેમ્બર)ની સવારે આશરે 6 વાગ્યે બનેલી આ ભયાનક ઘટનાને મૃતકની માતાએ ઘરની બારીમાંથી પોતાની નજર સામે જોઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ભાગી ગયો નહોતો, પરંતુ મૃતદેહ પાસે જ ઘરમાં બેસી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કુનિગલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નંજપ્પા અને તેની પત્ની રંજીતાનાં લગ્નને 20 વર્ષ થયાં છે અને તેમને બે પુત્રો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દંપતી વચ્ચે સતત ઝઘડા થતા હતા. આશરે છ મહિના પહેલાં પણ રંજીતાની ફરિયાદના આધારે નંજપ્પાને જેલમાં જવું પડ્યું હતું. જોકે, જેલમાંથી છૂટ્યા બાદ બંને વચ્ચે સમાધાન થતાં ફરી સાથે રહેવા લાગ્યાં હતાં.
સવારે 6 વાગ્યે દરવાજો ખોલતાં જ પુત્ર પર હુમલો
રવિવારે સવારે નંજપ્પા અને રંજીતા વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થયો હતો. વિવાદ દરમિયાન નંજપ્પાએ રંજીતાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન સવારે આશરે 6 વાગ્યે ટ્યુશન જવાની તૈયારી કરી રહેલા 16 વર્ષીય પુત્ર સુનીલે ઘરનો દરવાજો ખોલ્યો હતો. ત્યારે ગુસ્સામાં બેકાબૂ બનેલા નંજપ્પાએ તેના પર હથોડી અને ચાકુ વડે ઉપરાછાપરી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સુનીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બારીમાંથી પુત્રની હત્યા જોઈ માતા આઘાતમાં, પિતા ઝડપાયો
ઘરમાંથી બહાર કાઢવામાં આવેલી રંજીતાએ બારીમાંથી પોતાના જ પતિને પુત્રની નિર્દયતાથી હત્યા કરતા જોયો હતો. આ દૃશ્ય જોઈને માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ કુનિગલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં આરોપી નંજપ્પા હત્યા કર્યા બાદ ઘરની અંદર જ બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે દંપતીનો બીજો પુત્ર તેની નાનીના ઘરે રહે છે. આથી તે આ ઘટનાનો ભોગ બનતાં બચી ગયો હતો