13 નવેમ્બરે સવારે રાજકોટના 3 યુવાનો ઘરેથી નીકળ્યા. પણ ઘરે પાછી ફર્યા તેમના મૃતદેહ. પરિવાર હવે ભારે આઘાતમાં છે.. જુવાનજોધ દીકરા ગુમાવવાનું દર્દ જીરવી શકાય તેવું નથી. પરંતુ આ યુવાનો સાથે શું થયું હતું? તે જાણશો તો તમે હેરાન રહી જશો.
જો તમે પણ પૂર ઝડપે કાર હંકારવાના શોખીન હોવ તો જરા આ દૃશ્યો જોઈ લેજો. જો તમને પણ 100થી વધારે સ્પીડમાં કાર ચલાવવાનો શોખ હોય, સ્પીડોમીટરના વીડિયો ઉતારવાનો શોખ હોય તો આ વીડિયો જોઈ લેજો.
કારણ કે ફક્ત પાંચ જ સેકન્ડમાં કેવી રીતે જિંદગી ખતમ થઈ જાય છે, તે આ વીડિયોમાં જોઈ શકાય છે.ડેકોરેશનનું કામ કરતા 3 યુવાનો રાજકોટથી નીકળ્યા હતા. મોરબી તરફ જતી વખતે રસ્તામાં ટંકારા નજીક કાર પલટી મારી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 8થી 10 વખત ધડાધડ પલ્ટી મારી ગઈ.જે રીતે ફિલ્મોમાં ગાડીઓ ફંગોળાતી જોવા મળે છે, તેવો જ સીન 13 નવેમ્બરે સવારે સાડા આઠ વાગ્યે ટંકારા નજીક જોવા મળ્યો. જેમાં કારચાલક યુવક સહિત 2 યુવાનોનાં મોત થયા છે. ઝડપની સજા, મોતની સજામાં ફેરવાઈ ગઈ.
અત્યંત ભયાનક અસ્માતના CCTVમાં તમે કારમાંથી કેવી રીતે યુવકો બહાર ફંગોળાયા હતા તે જોઈ શકો છો. આવા દૃશ્યો તમારા પરિવારજનોને જોવા ન પડે તે માટે રફતારને થોડી બ્રેક મારીને વાહન ધીમે હંકારજો. કારણ કે મોત કોઈનું સગું નથી થતું.. મિત્રો સાથે હોય અને ગીતો વાગતા હોય એટલે ઉત્સાહમાં આવીને તમે ચપલું દબાવી દો. કદાચ ભૂલથી પણ ગાડી થોડી આમતેમ થઈ જાય અને ડિવાઈડર સાથે ટકરાઈ જાય તો તેનું પરિણામ કેટલું ઘાતક આવે તે તમે જોઈ શકો છો. કાર ચલાવવી એ કોઈ રમત નથી. પણ જવાબદારી છે. તમારી પોતાની જવાબદારી સાથે ગાડીમાં બેઠેલા તમામ લોકોની સુરક્ષાની જવાબદારી કાર ચલાવનારના માથે હોય છે. એટલે કાર ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ તો બિલકુલ ના કરવો, સ્પીડ વધારે ન રાખવી.. અને સતત એલર્ટ રહેવું. કારણ કે રસ્તામાં ગમે ત્યારે પશુ આવી જાય તો પણ અકસ્માત થઈ શકે છે. જો સ્પીડ ઓછી હોય તો ગાડી કંટ્રોલ કરી શકાય.. અને જો સ્પીડ વધારે હોય તો આવી જ રીતે ફંગોળાઈને કારની સાથે ભૂકો થઈ જવાય. કાર ચલાવતી વખતે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તેનો બોધપાઠ દરેક યુવાનોએ લેવાની જરૂર છે. કદાચ તમને તમારી જિંદગીની વધારે કિંમત નહીં હોય. પરંતુ તમારા પરિવારનું વિચારજો. આજે જે પરિવારો પોતાના જુવાનજોધ દીકરા ગુમાવી ચૂક્યા છે, તેઓ ખૂબ જ દુઃખી છે. તેમને જમવાનું પણ ઉતરતું નથી. કારણ કે વ્હાલસોયા દીકરાના ચહેરા તેમની નજર સામેથી દૂર થતા નથી.
એટલે કાર ચલાવતી વખતે યુવાનોએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. એક નાનકડી ભૂલ તમારી જિંદગી ખતમ કરી શકે છે.. આવું ન થાય તે માટે તમારે પોતે જ સભાનતાપૂર્વક ડ્રાઈવિંગ કરવાની ટેવ પાડવી પડશે.