સરખેજ વિસ્તારમાં આવેલા એક વૈભવી બંગલાના ભોંયરામાંથી MD ડ્રગ્સ બનાવવાની ગુપ્ત લેબોરેટરી ઝડપાવાના ચકચારી પ્રકરણમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી મુદ્દસર પઠાણ પોતાના જ મકાનના ભોંયરામાં જાણે કોઈ ફેક્ટરી ચલાવતો હોય તેમ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતો હોવાનું સામે આવ્યું છે.
આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે NCB દ્વારા કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે કોર્ટે આરોપીના 17 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
NCBની તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતું આશરે 130 કિલો જેટલું રો-મટીરિયલ અને 26.67 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આરોપી વર્ષ 2024થી આ કાળા કારોબારમાં સક્રિય હતો અને તેણે જાતે જ ડ્રગ્સ તૈયાર કરવા માટે આખી લેબ ઊભી કરી હતી. આટલા મોટા જથ્થામાં રો-મટીરિયલ મળી આવતા, આ નેટવર્કના મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
કોર્ટ કાર્યવાહી દરમિયાન NCB તરફથી સરકારી વકીલ મહેશ પટેલે દલીલ કરી હતી કે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે તે જાણવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને 130 કિલો જેટલું રો-મટીરિયલ ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં તૈયાર કરાયેલું MD ડ્રગ્સ કયા-કયા પેડલરો કે ગ્રાહકોને વેચવામાં આવ્યું હતું, તેની કડીઓ મેળવવા માટે આરોપીની પૂછપરછ આવશ્યક છે.
બીજી તરફ, આરોપી મુદ્દસર પઠાણની આર્થિક સંપત્તિ પણ હવે તપાસના રડારમાં આવી છે. જે બંગલાના ભોંયરામાં આ ડ્રગ્સ લેબ ધમધમતી હતી, તે બંગલાની કિંમત ₹1.50 કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું છે. આ વૈભવી બંગલો ડ્રગ્સના કાળા નાણાંમાંથી જ ખરીદવામાં આવ્યો છે કે કેમ, તેની તપાસ માટે NCB દ્વારા આરોપીના બેંક ખાતાઓ અને અન્ય નાણાકીય વ્યવહારોની ઊંડી ચકાસણી હાથ ધરવામાં આવશે.
બચાવ પક્ષના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આરોપી અને તેનો પરિવાર સરખેજ વિસ્તારના સ્થાનિક રહેવાસી છે, તેથી તપાસ માટે માત્ર એક જ દિવસના રિમાન્ડ પૂરતા છે. આરોપીએ પણ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે કસ્ટડી દરમિયાન તેને કોઈ માર મારવામાં આવ્યો નથી. જોકે, કેસની ગંભીરતા અને આંતરરાજ્ય નેટવર્કની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે NCBની માંગણી ગ્રાહ્ય રાખી 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.
