સાવધાન! રસ્તા પર નકલી અકસ્માતના બહાને લૂંટનો નવો ખેલ, કારના 360-ડિગ્રી કેમેરાએ ખોલી પોલ

Spread the love

મેટ્રો શહેરોમાં વાહનચાલકોને નિશાન બનાવીને લૂંટ ચલાવતી ગેંગ હવે નવા-નવા પેંતરા અજમાવી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ઊભેલી કારની સામે આવીને નકલી અકસ્માતનું નાટક કરી ઘેરવાનો પ્રયાસ કરવામાં આવે છે તે સ્પષ્ટપણે આ વીડિયોમાં જોવા મળે છે.

 

શું છે સમગ્ર ઘટના?

 

વાયરલ વીડિયોમાં એક કારચાલકે પોતાની સાથે બનેલી ચોંકાવનારી ઘટના શેર કરી છે. કારચાલક જ્યારે રેડ લાઈટ પર ઊભો હતા, ત્યારે એક ઓટોરિક્ષા ચાલક અચાનક ખોટી રીતે કટ મારીને તેમની કારની એકદમ નજીક આવીને ઊભો રહી ગયો હતો. ત્યારબાદ ઓટોચાલકે કાર પર ખટ-ખટ ખખડાવીને એવું નાટક શરૂ કર્યું કે કારનું ટાયર તેના પગ પર ચઢી ગયું છે અને તેનો પગ ફસાઈ ગયો છે.સદનસીબે કારમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા લાગેલો હતો, જેમાં આ સમગ્ર ષડયંત્ર લાઈવ રેકોર્ડ થઈ ગયું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઓટોમાં પાછળ એક શંકાસ્પદ વ્યક્તિ બેઠો હતો. કારચાલકના જણાવ્યા મુજબ, આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે જ્યારે ડ્રાઈવર ધ્યાન ભટકાવીને કાચ ખોલે કે નીચે ઉતરે, ત્યારે પાછળ બેઠેલો સાગરિત અથવા આસપાસના અન્ય સાથીઓ કારમાંથી મોબાઈલ, પર્સ કે કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જાય છે.

 

કારચાલકની સતર્કતાથી ટળી મોટી ઘટના

 

કારચાલકે કેમેરામાં આખી હિલચાલ જોઈ લીધી હોવાથી તેઓ કારની બહાર નીકળ્યા નહોતા અને કડક શબ્દોમાં ઓટોચાલકને ખખડાવીને ત્યાંથી ભગાડી મૂક્યો હતો. કારચાલકે વધુમાં જણાવ્યું કે, થોડા દિવસો પછી તેમણે અન્ય એક કાર (MG Windsor) સાથે પણ આ જ ગેંગને આ જ રીતે નાટક કરતા જોઈ હતી, જેના કારણે તેમણે લોકોને જાગૃત કરવા માટે આ વીડિયો શેર કર્યો છે.

 

વાહનચાલકો માટે ખાસ અપીલ:

 

ટ્રાફિક સિગ્નલ કે ભીડભાડવાળી જગ્યાએ કોઈ અજાણ્યો વ્યક્તિ કાર ખખડાવે તો તરત જ દરવાજો ન ખોલો.

કારના તમામ દરવાજા અને કાચ હંમેશા લોક રાખો.

જો કોઈ અકસ્માત કે પગ પર ટાયર ચઢી જવાનો દાવો કરે, તો ઉશ્કેરાયા વગર કારમાં બેઠા-બેઠા જ પરિસ્થિતિનો તાગ મેળવો અને જરૂર જણાય તો પોલીસને જાણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *