આનંદીબેન પટેલે પાટીદાર આંદોલનને કારણે CM પદેથી રાજીનામું નથી આપ્યું

Spread the love

પાટીદાર અનામત આંદોલનને કારણે વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel)ને રાજીનામું આપવું પડ્યું હોવાના પાટીદાર નેતા દિનેશ બાંભણિયાના નિવેદન પર વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) મંગળવારે મોટો વળતો જવાબ આપ્યો છે. હાર્દિક પટેલે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢતા જણાવ્યું હતું કે, આંદોલનને કારણે કોઈએ રાજીનામું આપવું પડ્યું ન હતું.આ સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંદોલન કોઈ વ્યક્તિને પદ પરથી હટાવવા માટે નહોતું, પરંતુ સમાજના કલ્યાણ માટે હતું અને તેમને આ આંદોલનનો કોઈ અફસોસ નથી.

 

દિનેશ બાંભણિયાએ જસદણમાં વ્યક્ત કર્યો હતો અફસોસ

તાજેતરમાં રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આયોજિત પાટીદાર સમાજના એક સંમેલનમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયા (Dinesh Bambhaniya)એ આનંદીબેન પટેલની મુખ્યમંત્રી પદેથી વિદાયમાં સમાજની ભૂમિકા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. બાંભણિયાએ કહ્યું હતું કે, “પાટીદાર આંદોલનમાંથી અમને ઘણું મળ્યું, પરંતુ આનંદીબેન પટેલ જેવા સારા મુખ્યમંત્રી ગુમાવવાનો અમને આજે પણ અફસોસ છે. તેમને પદ પરથી હટાવવા પાછળ અમે કારણ બન્યા તેનું અમને દુઃખ છે.” તેમણે ભવિષ્યમાં આવા નુકસાનથી બચવા સમાજને સતર્ક રહેવા પણ અપીલ કરી હતી.

 

“કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો”

બાંભણિયાના આ નિવેદન પર ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, “મેં અગાઉ પણ કહ્યું છે તેમ આંદોલનને કારણે કોઈને રાજીનામું આપવું પડ્યું ન હતું. અસંખ્ય યુવાનોના બલિદાન અને સંઘર્ષને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગના અનેક સમાજોને 10 ટકા EWS અનામત અને બિનઅનામત વર્ગ આયોગની રચના જેવા મોટા લાભો મળ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આંદોલનનો ઉદ્દેશ્ય ક્યારેય કોઈને પદ પરથી હટાવવાનો કે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો ન હતો, પરંતુ સમાજ અને તેની આવનારી પેઢીઓના કલ્યાણ માટે હતો.

 

બાંભણિયાના નિવેદનને ગણાવ્યો તેમનો અંગત મત

દિનેશ બાંભણિયાના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવતા હાર્દિક પટેલે ભારપૂર્વક કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન કોઈ એક વ્યક્તિની પહેલ નહોતી, પરંતુ સમગ્ર સમાજ દ્વારા ચલાવવામાં આવેલું આંદોલન હતું. સમાજનો ઉદ્દેશ્ય પોતાના કલ્યાણ માટે કામ કરવાનો એકદમ સ્પષ્ટ હતો, તેથી આંદોલન અંગે મનમાં કોઈ જ અફસોસ નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર સમાજને OBC દરજ્જો અપાવવા માટે આંદોલન શરૂ થયું હતું, જે હિંસક બનતા 14 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ ઓગસ્ટ 2016માં આનંદીબેન પટેલે (હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *