હલેન્ડામાં કાળ બની ત્રાટક્યો વીજતાર : કોળી દંપતીનું મોત : પુત્ર-પુત્રવધૂ સારવાર હેઠળ

Spread the love

પહેલા ગાંડુભાઈને કરંટ લાગ્યો, જે જોઈ કાંતાબેન બચાવવા જતા તેમણે પણ જીવ ખોયો : બનાવથી અરેરાટી વ્યાપી ગઈ

 

►બાદમાં પહોંચેલા પુત્ર હસમુખભાઈ માતાને ખેંચવા ગયા અને પોતે કરંટના સંપર્કમાં આવ્યા તેમના પત્ની દયાબેને લાકડી વડે છુટા પાડતા જીવ બચી ગયો પણ બંનેને કરંટ લાગ્યો હતો

 

રાજકોટ, તા.17

રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે આજે સવારનો સમય એક પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો.રોજિંદી જિંદગીની જેમ વાડીમાં ખેતીકામ માટે પહોંચેલ કોળી દંપતી ત્યાં પડેલ 11 કે.વી. જીવંત વીજવાયરને અડી જતા બંનેનાં સ્થળ પર જ કરુણ મોત નીપજ્યાં હતાં. વૃદ્ધ દંપતી બંને એકસાથે કાળનો કોળિયો બની જતાં વાવડીયા પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.

 

જ્યારે સમગ્ર હલેન્ડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઉપરાંત બેભાન પડેલા માતા પિતાને જોઈ દોડી ગયેલા પુત્ર અને પુત્રવધૂને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેઓને સારવારમાં ખસેડાયા હતા.

 

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-આટકોટ રોડ પર આવેલા હલેન્ડા ગામમાં રહેતા ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (ઉંમર વર્ષ 72) અને તેમનાં પત્ની કાંતાબેન (ઉંમર વર્ષ 69) આજે તા.17 નવેમ્બરના રોજ સવારના સમયે હલેન્ડા-ઉમરાળી રોડ પર આવેલી પોતાની વાડીએ ખેતીકામ કામ કરવા પહોંચ્યા હતા. મગફળીના પાથરા ફેરવવાના હતા. જેથી ગાંડુભાઈ કેવા ખેતરના ક્યારામાં પહોંચ્યા ત્યાં તેમને કરંટ લાગ્યો હતો.

 

કેમ કે ત્યાં અગાઉથી જ ઇલેક્ટ્રીક પોલ પરથી 11 કે.વી.નો તૂટેલો વીજ વાયર પડ્યો હતો. વીજવાયરમાં જીવંત પ્રવાહ ચાલુ હોવાથી જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જે જોઈ કાંતાબેન દોડ્યા હતા. પતિ ગાંડુભાઈને બચાવવા જતા તેઓને પણ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. બંને બેભાન થઈ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા. બનાવની અમુક ક્ષણોમાં જ તેમના પુત્ર હસમુખભાઈ (ઉંમર વર્ષ 40) અને હસમુખભાઈના પત્ની દયાબેન (ઉંમર વર્ષ 38) ત્યાં પહોંચ્યા હતા.

 

તેમણે ગાંડુભાઈ અને કાંતાબેન ને બેભાન હાલતમાં જમીન પર પડેલા જોતા હસમુખભાઈ તુરંત તેમના માતાને ઉભા કરવા ગયા ત્યાં તે પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા અને દયાબેનને પણ દોડ લગાવતા તેમને પણ વીજ ઝટકો લાગ્યો હતો . જોકે દયાબેન દૂર ફેકાઈ જતા તેમણે એક લાકડી લઈ પતિ હસમુખભાઈને વીજ કરંટથી છોડાવ્યા હતા.

 

દેકારો થતા આસપાસની વાડીઓમાંથી ખેડૂતો અને શ્રમિકો દોડી આવેલ. ગ્રામજનો પણ દોડી ગયા હતા. તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગેરૈયા સહિતના રાજકીય આગેવાનો પણ દોડી ગયા હતા. પીજીવીસીએલની ટીમ દોડી ગઈ હતી. વીજ પુરવઠો બંધ કરાયો હતો. આજીડેમ પોલીસની ટીમ પણ તોડી ગઈ હતી. મૃતદેહો પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

હોસ્પિટલે મદદ માટે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશભાઈ ચાવડા પણ દોડી આવ્યા હતા. જેમને કરંટ લાગ્યો હતો તે હસમુખભાઈ અને દયાબેનને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં દાખલ કરાયા હતા અને સારવાર અપાઈ હતી. પરિવારજનોએ જણાવ્યું કે ગાંડુભાઈને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરીઓ છે. જ્યારે તેમના પુત્ર હસમુખને સંતાનમાં એક દીકરી છે. વૃદ્ધ દંપતીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.

 

વીજ તંત્રની બેદરકારી : અગાઉ રજુઆત કરેલી, જો પગલાં લીધા હોત તો જાનહાની ટાળી શકાય હોત

આ દુર્ઘટનાના સમાચાર આસપાસનાં ખેતરોમાં કામ કરી રહેલા લોકોને મળતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જોકે, વીજતારની ઝપેટમાં આવેલા દંપતીને બચાવવાની કોઈ તક મળી નહોતી. ઘટનાની જાણ તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિત સ્થાનિક આગેવાનોને થતાં તેઓ પણ તાત્કાલિક વાડી ખાતે પહોંચી ગયા હતા.

 

પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વીજતંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હલેન્ડા આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી વીજવાયરો જર્જરિત હાલતમાં છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

 

જો સમયસર વીજવાયરોની જાળવણી અને જરૂરી સમારકામ કરવામાં આવ્યું હોત તો કદાચ આજે બે નિર્દોષ જીવ બચી શક્યા હોત તેવી લાગણી ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ વાડીમાં પરસેવો પાડીને પરિવારનું ગુજરાન ચલાવતા દંપતીનાં એકસાથે મોતથી પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, તો બીજી તરફ ગામમાં પણ શોકની સાથે આક્રોશની લાગણી ફેલાઈ છે.

 

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વીજતંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે, જર્જરિત વીજવાયરોની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવાય અને બેદરકારી જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *