હીરા અને કાપડના વેપાર માટે જાણીતા સુરતમાં એક કરોડપતિ કાપડ વેપારી પરિવારના નિર્ણયે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષો સુધી મહેનત કરીને આશરે રૂ.15 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો કાપડનો વ્યવસાય ઊભો કરનાર દિલીપભાઈ ભોગર હવે પત્ની અને બે દીકરીઓ સાથે સાંસારિક જીવનનો ત્યાગ કરીને જૈન દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો વ્યવસાય, સંપત્તિ અને ભૌતિક સુખસુવિધાઓ છોડીને આધ્યાત્મિક માર્ગ પસંદ કરવાના આ નિર્ણયની સુરતમાં ચર્ચા થઈ રહી છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર દિલીપભાઈ ભોગર (47), તેમનાં પત્ની જ્યોતિબેન (45) અને બે દીકરીઓ છવિ (22) તથા ચાર્વી (14) આગામી 8 ફેબ્રુઆરી, 2027ના રોજ સુરતના પાલ વિસ્તારમાં જૈન દીક્ષા ગ્રહણ કરશે. પરિવારની મોટી દીકરી શૈલીએ વર્ષ 2023માં જ દીક્ષા લઈ લીધી હતી અને હાલમાં તેઓ સાધ્વી દર્શિતા તરીકે ઓળખાય છે. હવે બાકીના ચાર સભ્યો પણ તેમની જેમ સંયમ અને ત્યાગના માર્ગે આગળ વધશે.
