વાહનો પર હવે હિન્દુ, રાજપુત, પાટીદાર, આહિર, ભરવાડ જાતિ સૂચક લખાણ ચિન્હો પર પ્રતિબંધ, રાજ્યમાં “જાતિ ધર્મનું પ્રદર્શન” સ્ટોપ

Spread the love

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત સહિત જાતિ દર્શાવતા શબ્દો-ચિહ્નો કે અન્ય લખાણનું પ્રદર્શન કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતી બાબતોને નિયંત્રિત કરવા મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે. બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે.

 

આ માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગે 17 નવેમ્બર, 2026ના રોજ ગુજરાત મોટર વાહન નિયમમાં સુધારો કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. આ સુધારા હેઠળ દરેક પ્રાઈવેટ વાહનો પર જાતિસૂચક ચિહ્નો દર્શાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ મોટર વ્હીકલ એક્ટ-1988ની કલમ 190 હેઠળ કાર્યવાહી અને રૂ. 1 હજારના દંડની જોગવાઈ લાગુ પડશે.

કાર પર MLA, MP કે સરપંચ લખ્યું હશે તો કાર્યવાહી થશે?

 

નવા નિયમ બાદ વાહનો પર હોદ્દો દર્શાવતી પ્લેટ અંગે લોકોને સવાલો ઊભા થયા છે. અનેક લોકો પોતાની કાર પર MLA, MP, સરપંચ, અધ્યક્ષ કે અન્ય હોદ્દો લખેલી પ્લેટ લગાવે છે. નિયમ 138(3)માં કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરવા પર નિયંત્રણની જોગવાઈ હોવાથી આવી પ્લેટ પણ નિયમના દાયરામાં આવી શકે છે એટલે કે પ્રાઈવેટ કાર પર નહીં લખી શકો.

 

કારની અંદર પ્લેટ, રાજકીય ખેસ કે પક્ષનાં ચિહ્નોનું શું થશે?

 

ઘણી કારમાં ડેશબોર્ડ પર જાતિ, નામ, હોદ્દો કે અન્ય લખાણ ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. આવી પ્લેટ જો વાહનમાં પ્રદર્શિત થતી હોય તો નવા નિયમની જોગવાઈ લાગુ પડવાનો પ્રશ્ન ઊભો થાય છે. તેવી જ રીતે રાજકીય પક્ષનો ખેસ, પક્ષનું નામ કે ચિહ્ન વાહન પર પ્રદર્શિત કરાયું હોય તો તેની સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે. જોકે સરકારે જાહેરનામાં આ બાબતે ખુલાસો કર્યો નથી.

ઓટોરિક્ષા પર જાહેરાતનાં બેનર લગાવવાની મંજૂરી રહેશે?

 

ઓટોરિક્ષાની પાછળ અને બાજુમાં વિવિધ કંપનીઓ, સંસ્થાઓ અને દુકાનોની જાહેરાતનાં બેનર લગાવવામાં આવે છે. નિયમ 125(1)માં અગાઉથી જ જાહેરાતનાં સાધનો અને લખાણના પ્રદર્શન માટે RTAની મંજૂરીની જોગવાઈ છે. હવે તેમાં જાતિસૂચક ચિહ્નોનો પણ સમાવેશ કરાયો છે. આથી ઓટોરિક્ષા પર જાહેરાત લગાવનારાઓએ મંજૂરી સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે.

 

નિયમ ભંગ કરો તો શું સજા?

 

નિયમોના ભંગ બદલ મોટર વ્હીકલ એક્ટ-1988ની કલમ 190 હેઠળ અસુરક્ષિત સ્થિતિમાં વાહનના ઉપયોગ બદલ રૂ. 1 હજારના દંડની જોગવાઈ કરી છે. આ જોગવાઈ હેઠળ ટ્રાન્સપોર્ટ પ્રકારનાં વાહનો પર જાતિસૂચક ચિહ્નો દર્શાવવા સામે કાર્યવાહી થઈ શકશે.

11 જૂને મુસદ્દો કર્યો હતો, 17 નવેમ્બરે અંતિમ જાહેરનામું બહાર પડ્યું

 

આ સુધારાનો મુસદ્દો રાજ્ય સરકારે 11 જૂન, 2026ના રોજ જાહેર કર્યો હતો અને તેના પર 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવાયા હતાં. પરંતુ વાંધા સૂચનો મંગાવવા અંગે ક્યાંય પણ જાહેરાત કરવામાં આવી ન હતી, જેથી જાહેરનામામાં જણાવ્યા મુજબ સરકારને કોઈ વાંધા કે સૂચનો મળ્યાં નહોતાં. ત્યારબાદ 17 નવેમ્બર, 2026ના રોજ અંતિમ જાહેરનામું બહાર પાડીને ગુજરાત મોટર વાહન નિયમો-1989માં સુધારો કરાયો છે. સુધારેલા નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.

 

હવે વાહનો પર જાતિ આધારિત ચિહ્નો પ્રદર્શિત કરવાં ગુનાહિત કૃત્ય ગણાશે

 

ગુજરાત મોટર વાહન નિયમો-1989ના નિયમ 125(1) હેઠળ અગાઉથી એવી જોગવાઈ હતી કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTA) દ્વારા સામાન્ય અથવા ખાસ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તે સિવાય કોઈ જાહેરાતનું સાધન, આકૃતિ કે લખાણ ટ્રાન્સપોર્ટ વાહન પર પ્રદર્શિત કરી શકાશે નહીં. હવે આ નિયમમાં સુધારો કરીને તેમાં ‘Caste Signage’ એટલે કે

જાતિસૂચક ચિહ્નોનો પણ ઉમેરો કરાયો છે. આથી હવે વાહનો પર જાતિ આધારિત ચિહ્નો પ્રદર્શિત કરવાં ગુનાહિત કૃત્ય ગણાશે. આવા કિસ્સામાં મોટર વ્હીકલ એક્ટ-1988ની કલમ 190 હેઠળ અસુરક્ષિત સ્થિતિમાં વાહનના ઉપયોગ બદલ રૂ. 1 હજારના દંડની જોગવાઈ લાગુ પડશે.પ્રાઈવેટ વાહનોને નિયમ લાગુ પડશે

 

સરકારે નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવું પેટાનિયમ (3) ઉમેર્યું છે. આ જોગવાઈ મુજબ રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા ખાસ આદેશથી મંજૂરી આપવામાં આવી હોય તે સિવાય કોઈપણ પ્રાઈવેટ વાહન પર જાહેરાતનું સાધન, જાતિસૂચક ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. એટલે કે હવે પ્રાઈવેટ કાર સહિતના વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો કે ચિહ્નો ઉપરાંત અન્ય લખાણ મૂકવા સામે પણ નિયમ લાગુ પડશે.

 

અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં પણ નિયમોમાં સુધારો

 

વાહનો પર જાતિસૂચક લખાણ અને ચિહ્નો પર નિયંત્રણ લાવવાની દિશામાં અલ્હાબાદ હાઈકોર્ટના 16 સપ્ટેમ્બર, 2025ના ચુકાદાને મહત્ત્વપૂર્ણ આધાર માનવામાં આવે છે. પ્રવીણ છેત્રી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ स२४८२ (Application U/S 482 No. 31545 of 2024) કેસમાં જસ્ટિસ વિનોદ દિવાકરની બેન્ચે એક દારૂની દાણચોરીના કેસની સુનાવણી દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓની જાતિ FIR અને જપ્તી પંચનામામાં નોંધવા સામે સવાલ ઉઠાવ્યા હતા.

 

કોર્ટે નોંધ્યું હતું કે, ઉત્તર ભારતનાં રાજ્યોમાં લોકો કાર અને બાઈક પર જાતિસૂચક નામ, સ્લોગન, ચિહ્નો અને સ્ટીકર લગાવીને જાતિનું પ્રદર્શન કરે છે, જે સામાજિક સમાનતા, બંધારણીય મૂલ્યો અને ભાઈચારાની ભાવનાની વિરુદ્ધ છે. કોર્ટે કેન્દ્ર સરકારને ખાનગી અને જાહેર બંને પ્રકારનાં વાહનો પર જાતિસૂચક લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધ મૂકવા મોટર વાહન નિયમોમાં સુધારો કરવા, RTO અને ટ્રાફિક વિભાગ મારફતે આવા ચિહ્નો દૂર કરાવવા તથા દંડની જોગવાઈ કરવા માટે નિયમનકારી માળખું તૈયાર કરવાની ભલામણ કરી હતી.

 

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારને પોલીસ રેકોર્ડમાંથી જાતિની વિગતો દૂર કરવા અને જાતિનું મહિમામંડન કરતાં જાહેર સ્થળોનાં બોર્ડ હટાવવાના નિર્દેશ આપ્યા હતા. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેના નિર્દેશો ઉત્તર પ્રદેશની હદમાં લાગુ પડશે અને કેન્દ્ર સરકાર માટે ભલામણો વૈકલ્પિક છે. ગુજરાત સરકારે હવે પોતાના મોટર વાહન નિયમોમાં સુધારો કરીને આ દિશામાં જોગવાઈ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *