ગાયને દીકરી માનીને કરી સેવા, નિધન બાદ બેન્ડ-વાજા સાથે કાઢી અંતિમયાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

Spread the love

રાજસ્થાનના ભીલવાડા શહેરમાં ગાય પ્રત્યે સ્નેહ અને પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. ભીલવાડામાં એક ગોવાળે બીમાર ગાયની માત્ર સેવા જ નહીં, પરંતુ તેના નિધન બાદ તેને યાદગાર વિદાય પણ આપી હતી. બેન્ડ-વાજા સાથે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી અને વૈદિક રીતિ-રિવાજો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગોપાષ્ટમીના દિવસે ભીલવાડાની શેરીઓમાં જોવા મળેલા આ દૃશ્યને જોઈને દરેકનું હૃદય શ્રદ્ધા અને લાગણીઓથી ભરાઈ ગયું હતું.ગાયના નિધન બાદ પરિવાર ભાંગી પડ્યો

 

વિજય સિંહ પથિક નગરમાં રહેતા વકીલ અશોક ગટ્ટાણીના આંગણાની લાડકી ગાય ‘ગૌરી’ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. જ્યારે ગૌરીએ અંતિમ શ્વાસ લીધા ત્યારે આખો પરિવાર એવી રીતે ભાંગી પડ્યો, જાણે ઘરના કોઈ સભ્યએ વિદાય લીધી હોય. ગટ્ટાણી પરિવારે ગૌરીને પશુ નહીં, પરંતુ માતાનો દરજ્જો આપ્યો હતો. મેવાડી પરંપરા અનુસાર ગૌરીની ‘ડોલ’ એટલે કે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

 

‘ગૌ માતાની જય’ના નારા ગુંજ્યા

 

ફૂલહારથી શણગારેલા વાહન પર નવી ચુંદડી ઓઢાડેલી ગૌરી એવી દેખાતી હતી, જાણે કોઈ દુલ્હન સાસરે જઈ રહી હોય. આગળ-આગળ બેન્ડ-વાજા અને પાછળ ભજન-કીર્તન ચાલી રહ્યાં હતાં. વસાહતની દરેક શેરીમાં ‘ગૌ માતાની જય’ના નારા ગુંજી રહ્યા હતા.

 

આખું ગામ હિબકે ચડ્યું

 

દરેક ઘરના દરવાજે લોકો ગૌરીને અંતિમ વિદાય આપવા ઊભા હતા. મહિલાઓએ પણ પોતાની તરફથી ગૌરીને ચુંદડી ઓઢાડીને અંતિમ પ્રણામ-દર્શન કર્યા હતા. બાળકોની આંખોમાં પણ આંસુ હતા, તો વડીલોની આંખોમાં શ્રદ્ધા દેખાતી હતી. નગરની પરિક્રમા બાદ કોઠારી નદીના કિનારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગૌરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વિદાયમાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *