એર હોસ્ટેસની હત્યારી એક મહિલા જ નીકળી, પતિને એર હોસ્ટેસ સાથે હતું લફરું, કાંટો કાઢવા બનાવ્યો માસ્ટર પ્લાન, ચાકુના ઘા ઝીંકવાના 13 લાખ રૂપિયા આપ્યા

Spread the love

દિવાળીની ખુશીઓ વચ્ચે પિયરમાં આવેલી પુણેની એક એર હોસ્ટેસની ઘાતકી હત્યાનો ભેદ ગોંદિયા પોલીસે માત્ર ચાર દિવસમાં ઉકેલી નાખ્યો છે. આ હાઈપ્રોફાઇલ હત્યા કેસમાં જે હકીકત સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે. આ હત્યા લૂંટ કે જૂની અદાવતનું પરિણામ નહોતી, પરંતુ પતિ, પત્ની અને પ્રેમિકા વચ્ચેના પ્રેમસંબંધના ત્રિકોણમાંથી જન્મેલા એક સુનિયોજિત કાવતરાનું પરિણામ હતી.આ માહિતી ગોંદિયાના એસપી ગોરખ ભામરેએ 18 નવેમ્બર, ગુરુવારે બપોરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

 

પ્રેમ, શંકા અને હત્યાના કાવતરાની કહાની

 

પુણેના ધાનોરીમાં રહેતી 35 વર્ષીય એર હોસ્ટેસ વર્ષા તુરકર દિવાળીની રજાઓ માણવા માટે બાલાઘાટ જિલ્લાના ખૈરલાંજી સ્થિત પોતાના વતન કિન્હી ગામે આવી હતી. 14 નવેમ્બરની સાંજે તે મહારાષ્ટ્રના ગોંદિયામાં રહેતા પોતાના મિત્ર નિતેશ અગ્રવાલ સાથે તિરોડાથી પરત ફરી રહી હતી. આ દરમિયાન દવનીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બોંડરાની ગામ નજીક આવેલા શિવ મંદિર પાસેના જંગલમાં બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ વર્ષા પર છરી વડે ઉપરાછાપરી હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.

 

હાઈટેક એપ અને GPS બન્યાં મોતનું કારણ

 

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નિતેશ અગ્રવાલ અને વર્ષા વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધને કારણે નિતેશની પત્ની મોના અગ્રવાલ (41) ભારે નારાજ હતી. પોતાની હરીફને રસ્તામાંથી હટાવવા માટે મોનાએ ખતરનાક કાવતરું ઘડ્યું હતું.

 

જે કારમાં નિતેશ ફરતો હતો તે કાર મોનાના નામે રજિસ્ટર્ડ હતી. મોનાએ પોતાના મોબાઇલમાં કારને ટ્રેક કરવા માટેની ‘ટોયોટા આઈ-કનેક્ટ’ (i-Connect) એપ એક્ટિવ કરાવી હતી. ત્યારબાદ તેણે આ એપની આઈડી અને પાસવર્ડ હત્યારાઓને આપી દીધાં હતાં. આ એપના લાઇવ GPS લોકેશનની મદદથી હત્યારાઓ કારનો પીછો કરતા બોંડરાનીના જંગલ સુધી પહોંચી ગયા હતા.

 

13 લાખની સોપારી અને 200 CCTV કેમેરામાંથી મળ્યો સુરાગ

 

મોનાએ પોતાના પાડોશી કુણાલ કુંભલકર (31) મારફતે ગોંદિયાના કુખ્યાત ગુનેગાર શાહરુખ પઠાણ (33), જે બારાખોલી, સિંધિ કોલોનીનો રહેવાસી છે, તેનો સંપર્ક કર્યો હતો. વર્ષાની હત્યા કરવા માટે 13 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.

 

શાહરુખે આ કામ માટે ગોંદિયા શહેરના મુર્રી વિસ્તારના ત્રણ યુવકો ઇમરાન શેખ (26), નલેન ઉર્ફે નાયલાન શેખ (24) અને ક્રિશ રાઉત (19)ને તૈયાર કર્યા હતા.

 

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંદિયાના એસપી ગોરખ ભામરે અને એડિશનલ એસપી અભય ડોંગરેના માર્ગદર્શન હેઠળ LCBના PI રેવચંદ સિંગનજુડે છ વિશેષ ટીમોની રચના કરી હતી. પોલીસે તિરોડા, ખૈરલાંજી, વારાસિવની અને બાલાઘાટથી લઈને ગોંદિયા સુધીના આશરે 200 CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં.

 

ફૂટેજમાં કારનો પીછો કરતી એક શંકાસ્પદ બાઇક જોવા મળી હતી. આ પુરાવાના આધારે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી.

 

જંગલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ચારની ધરપકડ; બેની શોધખોળ

 

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોના, નિતેશ અગ્રવાલની પત્ની, વચેટિયા કુણાલ કુંભલકર, સોપારી કિલર શાહરુખ પઠાણ અને શૂટર ઇમરાન શેખની ધરપકડ કરી છે. ત્યારબાદ તમામને દવનીવાડા પોલીસને સોંપવામાં આવ્યા છે.

 

આ ઘટનામાં સામેલ અન્ય બે ફરાર આરોપીઓ નલેન શેખ અને ક્રિશ રાઉતની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

 

નિતેશ અગ્રવાલ અને મૃતકના પતિની પણ પૂછપરછ

 

સોપારી હત્યાના આ કેસમાં મોના અગ્રવાલ સુધી 13 લાખ રૂપિયા પહોંચાડનાર વ્યક્તિની પણ પોલીસે ઓળખ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં નિતેશ અગ્રવાલ અને મૃતક વર્ષા તુરકરના પતિ સૈયદની પણ શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં આ કેસમાં આરોપીઓની સંખ્યા વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *